
સાગબારા તાલુકાના ચોપડવાવ ડેમને હાઈ એલર્ટ પર મૂકતા પાંચ ગામોને સાવચેત કરી સાવધાન કરાયા

તાહિર મેમણ : ડેડીયાપાડા – 16/09/2023- નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ડિઝાસ્ટર શાખા દ્વારા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ચોપડવાવ ડેમ એલર્ટ મોડ પર મૂકેલ છે. ભારે વરસાદના પગલે સ્થાનિક લોકોને સાવચેત કરવા માટે પાંચ ગામોને વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ચોપડવાવ ડેમની પૂર્ણ સપાટી ૧૮૭.૪૦ મીટરની છે આજે તા.૧૫/૦૯/૨૦૨૩ શુક્રવારના રોજ બપોરે એક વાગ્યાના સમયે ડેમની સપાટી ૧૮૬.૧૦ મીટર સુધી પહોંચી જવા પામી છે. ચોપડવાવ ડેમની કુલ સંગ્રહ શક્તિના ૮૦ ટકા જથ્થો પાણીથી ભરાયેલો છે. જેથી આ ડેમની સપાટી એલર્ટ સ્ટેજ લેવલે પહોંચી જવા પામી છે. ભારે વરસાદના પગલે ડેમની સપાટી ગમે ત્યારે ૧૮૭.૪૦ મીટરે પહોંચવાની શક્યતા છે અને ઓવરફ્લો થવાની સંભાવના રહેલી છે. જેથી ડેમના હેઠવાસના સાગબારા તાલુકાના સીમઆમલી, ભવરી સાગર, કેલપાટ, પાંચ પીપરી, મળી કુલ પાંચ ગામોના સ્થાનિક લોકોને સાવચેત કરવામાં આવે છે અને સ્થાનિક આગેવાનો ગ્રામ પંચાયત, તલાટી કમ મંત્રી, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારીને આ સંદર્ભે જરૂરી સૂચના આપવામાં આવી છે.









