
આણંદ આગામી છ માસ સુધી જિલ્લાના ટી.બીના દર્દીઓને વિનામૂલ્યે પોષણકીટ અપાશે
તાહિર મેમણ – 02/06/2024 – આણંદ જિલ્લા જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની ટીમ દ્વારા ટી.બીના પેશન્ટોની સેવા-સુશ્રુષા માટે અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જેમાં ટી.બીના દર્દીઓને નિયમિત પોષણયુક્ત આહાર તથા નિયમીત ધોરણે ટી.બી.ની દવાઓનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લાના આરોગ્ય તંત્રની સાથે-સાથે હવે સામાજિક સંસ્થાઓ પણ ટીબીના દર્દીઓના વ્હારે આવી રહી છે. જેમાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાનાં દંતાલી સ્થિત શ્રી સેવા સમાજ ટ્રસ્ટે ટીબીના દર્દીઓ માટે આગામી છ માસ સુધી પોષણકીટ વિનામૂલ્યે આપવાની પહેલ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી સ્વામી સચ્ચિદાનંદ મહારાજ દ્વારા સંચાલિત શ્રી સેવા સમાજ ટ્રસ્ટ, દંતાલી તરફથી ચામુંડા મંદિર, પેટલાદ ખાતે ટી.બી.ના દર્દીઓને વિનામૂલ્યે પોષણકીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમા કુલ ૫૬ પેશન્ટને કીટ વિતરણ કરવામા આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ ટ્રસ્ટ દ્વારા છ માસ સુધી દરેક પેશન્ટને વિનામૂલ્યે કીટ આપવામાં આવશે.
આ પ્રસંગે સ્વામી શ્રી સચ્ચિદાનંદે ટીબીના દર્દીઓને વહેલી તકે સાજા પણું મળશે તેમ જણાવી નિયમિત દવા લેવા પણ જણાવ્યું હતું અને માનસિક રીતે સ્વસ્થ રહેવા પણ અપીલ કરી હતી.