
આણંદ નગરપાલિકા ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ
તાહિર મેમણ – 06/06/2024- આણંદ સમગ્ર રાજ્યની સાથે આણંદ જિલ્લામાં પણ નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે આણંદ નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી છે. પ્રાદેશિક કમિશ્નર, વડોદરાની સૂચના હેઠળ આણંદ નગરપાલિકા ટીમ દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન હેઠળ રોજે રોજ અનેકવિધ સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
નિર્મળ ગુજરાત ૨.૦ અભિયાન અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં વિવિધ સ્થળોએ આવેલી મહાપુરુષોની પ્રતિમાઓ જેવી કે અમૂલ ડેરી રોડ પર આવેલ સરદાર પટેલની, શાસ્ત્રી ગ્રાઉન્ડ પાસે આવેલ લાલ બહાદુર શાસ્ત્રીની, લોટિયા ભાગોળ પાસે ઊભી ડૉ. બાબાસાહેબ આંબેડકરની, જુના રસ્તા ઉપર આવેલ સુભાષચંદ્ર બોઝની, નેહરુ ગાર્ડનમાં આવેલી જવાહરલાલ નેહરુની તેમજ ૧૦૦ ફૂટ રોડ પર આવેલ ઈન્દિરા ગાંધીની પ્રતિમા અને તેની આસપાસ સફાઈ કાર્ય હાથ ધરાયું હતું. આણંદ નગરપાલિકાની ટીમ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલી વિવિધ સરકારી વસાહતો જેવી કે સિવિલ કોર્ટ રોડ ઉપર આવેલી સરકારી વસાહત, બોરસદ ચોકડી પર આવેલ પોલીસ લાઈન, સાંઈ બાબા મંદિર પાછળ આવેલ સરકારી વસાહત ખાતે પણ સાફ-સફાઇનું કામ હાથ ધરવામાં આવ્યુ હતું.
આ સ્વચ્છતા કાર્યક્રમમાં આણંદ નગરપાલકાના ચીફ-ઓફીસર રાહબરી હેઠળ સેનેટરી ઇન્સ્પેક્ટર, સુપરવાઇઝર અને તમામ સફાઇ-કર્મીઓ (સ્વચ્છતા મિત્રો) જોડાયાં હતાં.