
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ તા. ૧૮ જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના વાંસદાના ગાંધી મેદાન ખાતેથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વન સેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવશે. વન સેતુ ચેતના યાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી બનાસકાંઠા જિલ્લાના અંબાજી સુધી કુલ ૧૦૦૦ કીમીની યાત્રા કરશે. તેમજ ઉમરગામથી અંબાજી સુધી પહોંચતા પૂર્વે નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાઓમાંથી પસાર થશે.
મુખ્યમંત્રીશ્રી વન સેતુ ચેતના યાત્રા અંતર્ગત ઉનાઈ યાત્રાધામ ખાતે ઉનાઈ માતાના દર્શન કરશે.
આ પ્રસંગે નવસારી સાંસદ શ્રી સી.આર. પાટીલ, નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ, વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળુભાઈ બેરા, શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભીખુભાઈ પરમાર, ગુજરાત વિધાનસભા નાયબ દંડકશ્રી વિજયભાઈ પટેલ, વિવિધ સાંસદો અને ધારાસભ્યશ્રીઓ ઉપસ્થિત રહેશે.