
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં નવસારીના વાંસદા તાલુકાના લાછકડી ગામે પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ દરમિયાન ગ્રામજનોએ વડાપ્રધાનશ્રીનો પ્રેરક સંદેશ અને સરકારની પ્રજાલક્ષી યોજનાઓની માહિતી શોર્ટફિલ્મના માઘ્યમથી નિહાળી હતી. આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારતના નિર્માણના સામુહિક શપથ લીધા હતા.
આ તકે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાનું બીજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી રોપાયું છે. ત્યારે ઉપસ્થિત ગ્રામજનો પણ સરકારની પ્રજાલક્ષી યોજનાનો લાભ લઈને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની ભૂમિકા અદા કરે તેવો શ્રી વિજયભાઈ પટેલએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગ્રામજનોએ “ધરતી કહે પુકાર કે” થીમ અંતર્ગત પર્યાવરણના જતન અને રક્ષણ માટે પ્રાકૃતિક કૃષિને અપનાવવા પ્રેરિત કરતું નુકકડ નાટક નિહાળ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની હેઠળ યોજનાના લાભાર્થીઓએ પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા હતા.
આ કાર્યક્રમમાં આયુષ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. આ વેળાએ આંગણવાડી કાર્યકર બહેનોએ મિલેટ્સમાંથી તૈયાર કરાયેલા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી નિદર્શન થકી સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓ, બાળકો માટે માતૃશક્તિ,પૂર્ણાશક્તિ તેમજ બાળશકિતના લાભ વિશે અવગત કર્યા હતા.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે સરપંચશ્રીને અભિલેખા પત્ર એનાયત કર્યું હતું. ઉપરાંત, વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ પણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રી અંબાબહેન માહલા, પ્રાંત અધિકારી શ્રી ડી.આઇ.પટેલ, તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્ર પરમાર ,તાલુકા પંચાયત પ્રમુખશ્રી , સરપંચશ્રી, પદાધિકારીઓ/અધિકારીઓ અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.









