
નર્મદા : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના વરદ્હસ્તે નિલકંઠ પ્રવેશદ્વાર અને નર્મદા નદીના કિનારે નિલકંઠ ઘાટનું ખાતમૂહુર્ત કરાયું
પ્રાકૃતિક કૃષિના રાષ્ટ્રવ્યાપી જન આંદોલનનું નેતૃત્વ કરવા તૈયાર છે પોઈચા નિલકંઠ ધામ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
નર્મદાના પોઈચા ખાતે ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન – મંદિર દશાબ્દી મહોત્સવ’ માં રાજ્યપાલશ્રીની ગરિમામય ઉપસ્થિતિ
જુનેદ ખત્રી : રાજપીપલા
ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિમાં નિલકંઠધામ, પોઇચા ખાતે સ્વામિનારાયણ મંદિર પરિસરમાં ‘પ્રાકૃતિક કૃષિ સંમેલન – મંદિર દશાબ્દી મહોત્સવ’ યોજાયો હતો. શ્રી આચાર્ય દેવવ્રતજીએ નિલકંઠધામ પધારીને પોઈચા ત્રણ રસ્તા ખાતે કલાત્મક નિલકંઠ પ્રવેશદ્રારનું ઉદઘાટન કર્યુ હતું. ઉપરાંત, નર્મદા નદીના કિનારે નિલકંઠઘાટનું ખાતમુહૂર્ત વૈદિક મંત્રોચ્ચાર દ્વારા સાધુસંતોની ઉપસ્થિતિમાં કર્યું હતું.

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, રાજકોટ સંસ્થાન સંચાલિત મંદિર દશાબ્દી કલ્યાણ મહોત્સવ દિપ પ્રાગટ્ય કરીને ખૂલ્લો મુકાયો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને અપનાવી ખેડૂતોને ઉપયોગી પ્રેરક માર્ગદર્શન પુરું પાડયું હતું અને કહ્યું હતું કે, પર્યાવરણમાં આવેલા અસાધારણ બદલાવ માટે અને માનવીના સ્વાસ્થ્યની બરબાદી માટે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો વધુ પડતો ઉપયોગ જવાબદાર છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રાકૃતિક ખેતી દ્વારા ભારતને આત્મનિર્ભર બનાવવાના કરેલા આહ્વાન અને સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન પુરજોશમાં આગળ વધી રહ્યું છે ત્યારે તેમણે દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રાકૃતિક ખેતીને એક ઉત્તમ માર્ગ ગણાવ્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિને જનઆંદોલન બનાવવા માટેની હાકલ નર્મદા જિલ્લાના પોઈચા ગામ ખાતેના નિલકંઠધામ-સ્વામિનારાયણ મંદિરથી કરવાની નેમ વ્યક્ત કરી હતી. ધર્મ સાથે લોકોના આત્માની શુદ્ધિનું કેન્દ્ર નિલકંઠધામ પ્રાકૃતિક ખેતીનું અનોખું કેન્દ્ર બને તેવો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, પૂજ્ય કૈવલ્ય સ્વામીજી દ્વારા હજારો ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમનો લાભ લઈ પ્રાકૃતિક ખેતીને વ્યાપક પ્રમાણમાં અપનાવીને પ્રકૃતિ-પર્યાવરણ અને જમીનના સંરક્ષણમાં યોગદાન આપવા રાજ્યપાલએ અનુરોધ કર્યો હતો.

ઉપરાંત જણાવ્યું કે, પુરી પ્રાકૃતિક વિધિ અને પ્રમાણિકતાથી પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો આ કૃષિ પધ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. પ્રાકૃતિક કૃષિથી જમીન ફળદ્રુપ બને છે. જેનાથી જળ, જમીન અને પર્યાવરણની પણ રક્ષા થાય છે. પ્રાકૃતિક કૃષિથી દેશી ગાયનું જતન-સંવર્ઘન થાય છે. આ પધ્ધતિમાં કૃષિમાં નહીવત ખર્ચ આવે છે. આમાં ઉત્પાદન પુરતું મળતું હોવાથી ખેડૂતો માટે આ પધ્ધતિ અત્યંત લાભદાયી છે.

મા નર્મદાના કિનારે પોઈચા ધામની વિશેષતા, ભવ્યતા અને દિવ્યતા એટલી છે કે ૧૦ વર્ષમાં ૬ કરોડથી વધુ ભક્તો સંસ્થાની મુલાકાત લઈ ચુક્યા છે. અહીં વારંવાર આવવાનું મન થાય છે. અહીનું વાતાવરણ આહલાદક અને રમણીય છે. ધાર્મિક ભાવ જાગૃત કરતી આ સંસ્થાન માનવતા અને ભૌતિક કલ્યાણના પણ સુંદર કાર્યો કરે છે. આપદાના સમયમાં ખોરાક અને ઉપચાર માટે સતત મદદરૂપ થતા અહીંના કર્મનિષ્ઠ સાધુસંતો, પ્રચારકોએ પ્રાકૃતિક કૃષિ થકી પર્યાવરણના જતન માટે અને નર્મદા જિલ્લાના પ્રાકૃતિક સૌંદર્યને જાળવવા માટે પણ સુંદર પ્રયાસો કર્યો છે. ધરતીપુત્રોને પ્રાકૃતિક ખેતીમાં જોડવા-પ્રોત્સાહિત કરવા આ ધામ પાયાના પથ્થર સમાન બની રહેશે. નવા વર્ષના અવસરે રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નિલકંઠ પ્રવેશદ્વાર ખાતે તકતીનું અનાવરણ કર્યું હતું અને પ્રવેશદ્વારનું ઉદ્ઘાટન કર્યુ હતુ. જ્યારે નર્મદા નદીના કિનારે વૈદિક મંત્રોચ્ચાર સાથે સાધુસંતો, હરિભક્તોની ઉપસ્થિતિમાં નિલકંઠ ઘાટનું ખાતમૂહુર્ત કર્યું હતું.






