
નવા વિકસિત ભારતના નિર્માણના વિઝનને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમિટ નર્મદાની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે :- પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમાર
એકતાનગર ખાતે ‘વાઈબ્રન્ટ ગુજરાત-વાઈબ્રન્ટ નર્મદા-૨૦૨૩’ સમિટ યોજા
વાઇબ્રન્ટ સમિટમાં કુલ ૧૫૩ કરોડના ૨૧ MOU થયા તેના થકી ભવિષ્યમાં અંદાજીત ૧૨૦૦ સ્થાનિક લોકો માટે રોજગારીનું સર્જન થશે તેવો દાવો
જુનેદ ખત્રી ; રાજપીપલા
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને ૨૦ વર્ષ પૂર્ણ થયા તેના બે દાયકાના ભાગરૂપે આગામી ‘વાઈબ્રન્ટ સમિટ ગુજરાત-૨૦૨૪’ની પ્રિ-ઈવેન્ટના ભાગરૂપે ગુજરાતના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં એકતા ઓડિટોરિયમ, એકતાનગર ખાતે વાઈબ્રન્ટ નર્મદા સમિટ-૨૦૨૩ ને દિપ પ્રાગટ્ય કરી ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લાના ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ અને રોકાણકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે, નર્મદા જિલ્લાના અંદાજીત ૧૨૦૦ લોકોને ઘર આંગણે જ રોજગારી મળી રહે તેવા અભિગમ સાથે વાઇબ્રન્ટ નર્મદા સમીટ થકી આજરોજ કુલ ૧૫૩ કરોડના ૨૧ MOU કરવામાં આવ્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ કરેલી આ વાઈબ્રન્ટ સમીટ વિચાર,કલ્પના અને અમલીકરણના મૂળ ઉદ્દેશ્ય આધારિત એક સંસ્થા તરીકે ઊભરી રહી છે જે અન્ય રાજ્યો-રાષ્ટ્રો માટે પણ પથદર્શક બની છે. અને ગુજરાતમાં રોકાણ કરવા લોકો તત્પરતા દાખવી રહ્યા છે અને કરોડો રૂપિયાનું રોકાણ કરી રહ્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી ગુજરાત સરકાર દ્વારા આ સમીટને વધુ પ્રોત્સાહન આપી આગવું બળ મળ્યું છે. વિકસિત રાષ્ટ્રના નિર્માણ અને વિઝનને સાકાર કરવામાં વાઇબ્રન્ટ સમીટ નર્મદાની ભાગીદારી મહત્વપૂર્ણ બની રહેશે તેવો મને વિશ્વાસ છે તેમ મંત્રીએ આ અવસરે આશાવાદ વ્યક્ત કર્યો હતો.
વધુમાં મંત્રી પરમારે ઉમેર્યું કે, વાયબ્રન્ટ ગુજરાત સમિટની ૧૦મી આવૃત્તિ રોકાણકારો માટે ઉજ્જવળ ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે એક મહત્વપૂર્ણ સિદ્ધી છે. જે ન્યૂ ઈન્ડિયાના વિઝનને આકાર આપશે. નર્મદા જિલ્લામાં યોજાયેલો આ કાર્યક્રમ વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ, સ્ટાર્ટઅપ્સ, સ્થાનિક સુક્ષ્મ અને લઘુ ઉદ્યોગ, સ્થાનિક કક્ષાએ મળતી વસ્તુમાંથી બનતા ઉત્પાદનો અને સ્થાનિક ઉદ્યમી મહિલા-પુરૂષ-યુવાનો માટે રોજગારીને વેગવાન બનાવવાનું આ એક ઉત્તમ માધ્યમ બન્યું છે. ખાસ કરીને નર્મદા જિલ્લો ખેતીની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવે છે. અહીં શેરડી, કેળા, કપાસ જેવા મુખ્ય પાકો થાય છે અને તેના પર કેટલાંક લઘુ-સુક્ષ્મ ઉદ્યોગો પણ નભે છે. અહીંના પ્રગતિશીલ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી ઉંચું મૂલ્ય મેળવતા થયા છે. જે જોતાં નર્મદા જિલ્લામાં એગ્રો પ્રોસેસિંગ ઉદ્યોગો માટે ખૂબ મોટી સંભાવનાઓ રહેલી છે જેથી તે દિશામાં નર્મદા જિલ્લાના યુવાનો પણ આગળ આવશે તો તેમને આત્મનિર્ભર બનાવવા ગુજરાત સરકાર હંમેશાં યુવાનોની પડખે રહેશે, પ્રોત્સાહન આપશે તેવો વિશ્વાસ જિલ્લાના યુવાનોને મંત્રીએ અપાવ્યો હતો.
કાર્યક્રમ પૂર્વે હસ્તકલા સેતુ-EDII, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ધારીખેડા નર્મદા સુગર, વન વિભાગ, આત્મા પ્રોજેકટ, ખેતીવાડી-બાગાયત વિભાગ, આઇસીડીએસ, લીડ બેન્ક, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, આઈટીઆઈ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા રોજગાર કચેરી, પોલીસ વિભાગ-વાહન વ્યવહાર વિભાગ, વીજ વિભાગ અને જિલ્લા આરોગ્ય કચેરીના સહિતના કુલ ૩૦ સ્ટોલ્સ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.