RBI એ ભૂલમાં એક જ નંબરની નોટો છાપી હોવાનું કહી કુખ્યાત ટોળકીએ સુરતના દલાલને ૧૮ લાખમાં નવડાવ્યો

RBI એ ભૂલમાં એક જ નંબરની નોટો છાપી હોવાનું કહી કુખ્યાત ટોળકીએ સુરતના દલાલને ૧૮ લાખમાં નવડાવ્યો
પાંચ ઠગ ટોળકી પૈક પોલીસે એકને ઝડપી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા
એક ના ત્રણ ઘણા આપવાનું કહી,આમોદના આછોદ ખાતે બે વખત બોલાવી,પોલીસની રેઇડનો સ્વાંગ રચી લૂંટયો
ભરૂચ જીલ્લાના આમોદ તાલુકાના આછોદ ગામની ઠગ ટોળકીએ સુરતના દલાલને બબ્બે વાર આછોદ ગામે બોલાવી RBI ની ડબલ સિરીઝની નોટમાં એકના ત્રણ ઘણાની લાલચ આપી ૧૮ લાખમાં નવડાવી દીધો હતો.જેથી આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
આમોદ તાલુકાના આછોદ ગામની ઠગ ટોળકીએ સુરતના પુણા ખાતે જય અંબે પેલેસમાં રહેતા દલાલ વિપુલ મનુ પટેલને શિકાર બનાવી આજથી એક વર્ષ અગાઉ વલસાડના મિત્ર રજની ઉર્ફે રજનીકાંત પટેલે જમીન-મકાનની દલાલી કરતા વિપુલ ભાઈને S.S. એટલે કે સેકન્ડ સિરીઝ,એક નંબરની ડબલ નોટો છપાઈ ગયા અંગે કહ્યું હતું.જે ત્રણ ઘણા રૂપિયા માર્કેટમાં છે.તમારે ધંધો કરવો હોય તો જણાવો જેથી સુરતના દલાલને પૈસાની જરૂર હોવાથી તેણે હા પાડતા તેણે
વાંસદા કોર્ટ (નવસારી) માં પ્યુન એવા ચંદ્રકાંત ઉર્ફે ચંદનનો સંપર્ક કરાવતા તેને ટોળકીના અન્ય સાગરીતો સાથે વાત કરાવી હતી.ટોળકીએ તેઓ પાસે RBI એ ભૂલથી ડબલ સિરીઝની છાપેલી નોટો હોવાનું અને તેને એકના ત્રણ ગણામાં આપવાનું કહી પ્રથમ પાદરાના સાધી ગામે બેઠક યોજી હતી.જેમાં ૫૦૦ ના દરની અસલ નોટોના બંડલો બતાવતા સુરતના દલાલને લાલચ જાગવા સાથે એક ના ત્રણ ઘણા કરવામાં તે ટોળકીની જાળમાં ફસાઈ ગયો હતો.ત્યાર બાદ સુરતના દલાલ વિપુલભાઈએ મિત્ર પાસેથી ઓછીના રૂપિયા ૧૦ લાખ રોકડા લઈ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ આમોદના આછોદ ગામે આવ્યા હતા.ત્યાં ઠગ ટોળકીના સાગરીતોએ રોકડા રૂપિયા ૧૦ લાખ તેમજ ચેક અને પ્રોમસરી નોટ છીનવી લઈ નકલી પોલીસની રેઇડ કરાવી દલાલને લૂંટી જાનથી મારી નાખવાની ધમકી આપી ભગાડી દીધો હતો. ત્યાર બાદ પાંચ દિવસ બાદ ટોળકીના ભુજના રાજુભાઇ ઉર્ફે અબ્દુલ ખાલિદ જાનું શિરૂ, આછોદના હનીફ પઠાણ, ઈમ્તિયાઝ ઉર્ફે લાલો પટેલ, ઇકબાલ પઠાણ અને હરેશ જાડેજાએ પાછો આ ખેલ ખેલ્યો હતો.અને દલાલ ફરી બીજા ૧૦ લાખ રોકડા લઈ આછોદ આવતા કોરા ચેકને રોકડા લઈ લૂંટી લઈ ભગાડી દેવાયો હતો.
અગાઉ કુખ્યાત ટોળકીના પાંચ સાગરીતોને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અગાઉ અન્ય લોકોને ઠગવાના કેસમાં ઝડપ્યા હતા અને ચિલ્ડ્રન નોટ, રોકડા અને અન્ય મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જેની જાણ થતાં આમોદ પોલીસ મથકે સુરતનો દલાલ જાન્યુઆરી ૨૦૨૩ માં મળ્યો હતો.જેમાં હનીફ પઠાણે કોરો ચેક પ્રોમિસરી નોટ પરત આપી હતી અને ૨૦ લાખ રૂપિયા પણ પરત આપવાનું જણાવ્યું હતું.જુલાઈમાં તે ટોળકીના સાગરીતો સબ જેલમાંથી બહાર આવતા દલાલે ૧૫ જુલાઈ ૨૦૨૩ ના રોજ હનીફ પઠાણ સાથે વાતચીત થતાં હનીફ પઠાણે ૨૦ લાખ પરત આપવાની વાત કરી હતી ત્યારે હનીફ પઠાણે તેના મિત્ર સોયેબ કાપડિયા દ્વારા આછોદ ત્રણ રસ્તા ઉપર ફક્ત બે લાખ રોકડા આપ્યા હતા અને બાકીના ૧૮ લાખ માટે વાયદો કર્યો હતો.પરંતુ આજ દિન સુધી બાકીના ૧૮ લાખ ઠગ ટોળકીએ નહી આપતા આપતા આમોદ પોલીસ મથકે કુખ્યાત ગેંગના ૧) રાજુભાઈ ઉર્ફે અબ્દુલ ખાલીદ શીરુ રહે.કચ્છ
૨) હનીફ પઠાણ રહે.આછોદ
૩) ઇમ્તિયાઝ ઉર્ફે લાલો અહેમદ પટેલ રહે.આછોદ
૪) ઇકબાલ પઠાણ રહે.આછોદ
૫) હરેશ જાડેજા
સામે ગુનો દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ









