
રાજપીપળા ખાતે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં પોલીસ યુનિટ વિભાગ સાથે તાલીમ યોજાઈ
બાળકો પ્રત્યે વધુ સંવેદનશીલ બની તેમને ગુનાહિત માનસિકતામાંથી બહાર લાવવા અને તેમની સુરક્ષા અંગે જીલ્લા પોલીસ, જુવેનાઈલ બોર્ડ, બાળ સુરક્ષા વિભાગે સાથે મળીને વિવિધ મુદ્દા પર ચર્ચા કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી-રાજપીપળાના કોન્ફરન્સ હોલમાં તા.૦૩/૦૯/૨૦૨૩ના રોજ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ચેરમેન તેમજ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ એન.એ.કુલકર્ણીની અધ્યક્ષતામાં જીલ્લાના તમામ પોલીસ મથકના ASI, PSI કક્ષાના ચાઈલ્ડ વેલ્ફેર પોલીસ ઓફિસર અને સ્પેશિયલ જુવેનાઇલ પોલીસ યુનિટ(SJPU) વિભાગ સાથે તાલીમ યોજાઈ હતી.
જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના ચેરમેન એન.એ.કુલકણી દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ-૨૦૧૫, ચાઇલ્ડ વેલ્ફર પોલીસ અધિકારીની મૂળભુત ફરજો અને કાર્યો વિશે વિસ્તૃતમાં સમજ આપતા જણાવ્યું હતું કે, જુવેનાઈલ બાળકો દ્વારા ગુના કરવામાં આવે તે સમયે તેઓ સાથે કેવી રીતે કામ કરી શકાય અને તે પરિસ્થિતિમાં કેવા પ્રકારની કાળજી લેવાની જરૂર છે તેમજ આવા સમયે જરૂરી કાયદાકીય પ્રવૃત્તિ ઉપર વિગતે ચર્ચા કરી કાર્યપદ્ધતિ અંગે સમજણ આપી હતી. આ અંગે વિવિધ ઉદાહરણો આપી આવનાર બાળકને કાયદાને ધ્યાનમાં રાખીને કેવી રીતે બોર્ડ સમક્ષ રજુ કરી શકાય તેમજ કેસના વર્ગીકરણ અંગે માહિતીને ધ્યાનમાં રાખી આ કામગીરીને સરળમાં સરળ રીતે કરી શકાય તે અંગે તેમના દ્વારા પ્રકાશ પાડ્યો હતો.
નર્મદા જિલ્લામાં બાળકો પ્રત્યે વધુ સંવેદનશીલ બની બાળકોને ગુનાહિત માનસિકતામાંથી બહાર લાવવા તથા બાળકોની સુરક્ષા સંદર્ભે જીલ્લા પોલીસ, જુવેનાઈલ બોર્ડ, બાળ સુરક્ષા વિભાગ સાથે મળી વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. જેથી કાયદાના સંપર્ક કે સંઘર્ષમાં આવનાર બાળકોનું પ્રમાણ ભવિષ્યમાં વધે નહિં, તેઓ આ માહોલમાંથી વહેલી તકે બહાર આવે તેવી તકેદારી રાખવામાં આવે તો જુવેનાઇલ બાળકોનું પ્રમાણ આપોઆપ ઓછું થશે તેવા હેતુથી કાર્યશાળાનું આયોજન કરાયું હતું.
ઉપરાંત પ્રોહિબિશનના કેસોમાં ઘણી વખતે નશીલા પદાર્થો, દેશી કે અંગ્રેજી દારૂની હેરફેર માટે ઘણી વખત બાળકોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જે સંદર્ભે જુવેનાઇલ જસ્ટીસ એક્ટ હેઠળ કલમ ૭૭ અને ૭૮ અંતર્ગત FIR નોંધી ફરિયાદો નોંધવા બાબતે ચર્ચા કરાઈ હતી