
UCC મુદ્દે વિરોધ , ડો પ્રફુલ વસાવાની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા કલેકટરને આવેદન અપાયું
આરોગ્ય શિક્ષણ તેમજ રોજગાર જેવી બાબતોમાં સમાનતા માંગી રહ્યો છે દેશ : ડો. પ્રફુલ વસાવા
રાજપીપળા : જુનેદ ખત્રી
યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે સમગ્ર દેશમાં વિવિધ સમુદાયો વિરોધ કરી રહ્યા છે જેમાં આદિવાસી સમુદાય પણ યુનિફોર્મ સિવિલ કોડ નો વિરોધ કરી રહ્યું છે નર્મદા જિલ્લામાં આદિવાસી સમુદાય દ્વારા ડોક્ટર પ્રફુલ વસાવાની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટરને આ મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ નહીં કરવા માંગ કરવામાં આવી છે
અત્રે ઉલ્લેખનીય છે કે ડો. પ્રફુલ વસાવા અગાઉ આમ આદમી પાર્ટીમાં થી ટિકિટ મેળવી નાંદોદ વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા હાલમાંજ યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રભારી સંદીપ પાઠક દ્વારા UCC કાયદાને સૈધ્ધાંતિક સમર્થન આપવાની વાતે વિવાદ પકડ્યો હતો ત્યારબાદ ડૉ. પ્રફુલ વસાવાએ આપ સાથે છેડો ફાડ્યો હતો.
આવેદનમાં જણાવ્યું હતું કે ભારત દેશ વિવિધતાઓમા એકતા વાળો દેશ છે. આપણા દેશમાં અલગ અલગ જાતિ, ધર્મ ના લોકો વસવાટ કરે છે તેઓની અલગ અલગ સંસ્કૃતિ છે. પરંપરાઓ છે, રીતિરિવાજો છે છતાં આપણાં દેશમાં એકતા છે. કારણ આપણો દેશ એ બિનસાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષતા વાળો દેશ છે. અલગ અલગ રાજયો ની ભૌગોલિક અને સાંસ્કૃતિક વિષમતાઓને કારણે ભારતીય બંધારણ ના ઘડવૈયાઓ દ્વારા દરેક જાતિ અને ધર્મના લોકો માટે બંધારણીય અધિકાર આપ્યાં છે. જો દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરવામાં આવે છે તો આ બંધારણીય અધિકારો ખતમ થશે તેવું લાગી રહ્યું છે. યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરવાથી વિવિધતા મા એકતા વાળા આપણા દેશમાં અશાંતિ ફેલાશે. અલગ અલગ જાતિ- ધર્મ ના લોકો વચ્ચે ઘર્ષણ ઉભા થશે.
યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરવાથી દેશનો 85% વર્ગ એટલે કે આદિવાસી, એસ. સી, ઓ. બી. સી, લઘુમતી સમાજ ના બંધારણીય અને મૌલિક અધિકારો ખતમ થશે.
ST, SC, OBC સમાજ ની શૈક્ષણિક અને રાજકીય અનામત નાબુદ થશે. દેશમાં લઘુમતી સમાજ ના સામાજિક- ધાર્મિક અને મૌલિક અધિકારો છિનવાઈ જશે.
વધુમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશવાસીઓએ યુનિફોર્મ સિવિલ કોડ ની કોઈ માંગ જ કરી નથી પરંતુ હાલની કેન્દ્ર સરકાર અને તેમાં પણ ભારતીય જનતા પાર્ટી ના રાજનૈતિક ફાયદા માટે પોતાનાં ચુંટણી ઢંઢેરામાં યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરવાના વચનો આપી ચૂકી છે. ભાજપ પાર્ટી ના ચુંટણી ઢંઢેરા વાયદાઓ પુરા કરવા હાલ કેન્દ્રિય કાયદા પંચ દેશના લોકો પાસે થી યુનિફોર્મ સિવિલ કોડ લાગું કરવા અંગે ના સૂચનો મંગાવી રહી છે. ભારતીય બંધારણ ના અનુચ્છેદ 368 મુજબ બંધારણ મા સુધારા કરવાની સત્તા માત્ર સંસદ ને છે તો પછી કાયદા પંચ શા માટે સૂચનો મંગાવી રહી છે? હજી ડ્રાફ્ટ જ તૈયાર જ નથી તો સૂચનો કેવી રીતે આપીએ? દેશની એકતા, અખંડિતતા તોડવાનું આ કોઈ મોટું ષડયંત્ર રચાય રહયું છે તેમ લાગી રહ્યું છે.
બોક્ષ ….
દેશ આરોગ્ય શિક્ષણ તેમજ રોજગાર જેવી બાબતોમાં સમાનતા માંગી રહ્યો છે…
દેશના યુવાનો યુનિફોર્મ સિવિલ કોડ નહિ રોજગાર માંગી રહ્યા છે,સરકારી નોકરીઓ વધારવાને બદલે કેન્દ્ર સરકાર સરકારી ક્ષેત્ર વેચી ખાનગીકરણ કરી રહી છે અને સરકારી નોકરીઓ જ ખતમ કરી રહી છે. યુવા ૧૧ મહિનાવાળી કોન્ટ્રાક્ટ વાળી નોકરી નહીં કાયમી નોકરી માંગી રહ્યા છે જેથી યુવા વર્ગ નું શોષણ બંધ થાય આ દેશ યુનિફોર્મ સિવિલ કોડ નહિ સારી હોસ્પિટલ, દવા અને આરોગ્ય સેવા માંગી રહ્યો છે આ દેશ યુનિફોર્મ સિવિલ કોડ નહીં સારું અને સમાન શિક્ષણ માંગી રહ્યો છે દેશનો મજુર વર્ગ યુનિફોર્મ સિવિલ કોડ નહીં સમાન કામ સમાન વેતન માંગી રહ્યો છે. સરકારી કર્મચારી વર્ગ યુનિફોર્મ સિવિલ કોડ નહીં જુની પેન્શન યોજના માંગી રહ્યા છે આ દેશનો ખેડૂત યુનિફોર્મ સિવિલ કોડ નહીં સારુ બિયારણ, ખાતર અને MSP કાનૂન માંગી રહયો છે.






