
આપ ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ૧૦ ને સરપંચની ચૂંટણીમાં હુમલા અને લૂંટ આચરવાના ગુનામાં ૦૬ મહિનાની સજા
કોર્ટે સારી વર્તણુક માટે તમામ આરોપીઓને ૨૦ હજારના શરતી જામીને પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો
રાજપીપળા: જુનેદ ખત્રી
સ્થાનીક સ્વરાજની સરપંચની ચૂંટણી ૧૯ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ હતી. ત્યારે બોગજ કોલીવાડા ગામે હરીફ સરપંચ પદના ૦૬ ટેકેદારો તાપણું કરી રહ્યાં હતાં. ત્યારે હરીફ સમર્થક પર હુમલો કરવામાં આવ્યો હતો. ફરિયાદી સતીશ કુંવરજી વસવાના ઘર પાસે જ ચાલતા તાપણા સમયે ડેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત ૧૦ વ્યક્તિઓનું ટોળું દોડી આવ્યું હતું.
ચૈતર વસાવાએ સળગતા લાકડા વડે ફરિયાદી પર હુમલો કર્યો હતો. ટોળામાં વિજય વસાવા, રતિલાલ, જયરામ, શાંતિલાલ, સંજય, જીતેન્દ્ર, મુકેશ, ઈશ્વર અને ગણેશે ડેડિયાપાડા ધારાસભ્ય સાથે ફરિયાદી અને સાથે તાપણું કરવા બેસેલા અન્યને પણ ગડદા પાટુનો માર માર્યો હતો. સાથે જ ચૈતર વસાવાએ ભોગ બનનાર સતિષનો મોબાઈલ અને સોનાની ચેઈન મળી ૬૧,૫૦૦/- ની લૂંટ ચલાવી હતી. જે અંગે ભોગ બનનારે ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સરપંચની ચૂંટણીમાં હુમલો અને લૂંટનો કેસ નર્મદા સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સેશન્સ જજ નેહલકુમાર આર. જોષીએ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર દામજી વસાવા સહિત તમામ ૧૦ આરોપીઓને કસૂરવાર ઠેરવી ૦૬ માસની કેદ અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. જોકે કોર્ટે સારી વર્તણુક માટે તમામ આરોપીઓને ૨૦ હજારના શરતી જામીને પ્રોબેશન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. આ સજા થતાં જ સમગ્ર પંથક માં ચર્ચાએ જોર પકડ્યું છે






