ગરુડેશ્વર પોલીસે યુવાનને માર મારવાની ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ, રેલી કાઢી આવેદન આપ્યું

ગરુડેશ્વર પોલીસે યુવાનને માર મારવાની ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ, રેલી કાઢી આવેદન આપ્યું
નર્મદા જિલ્લામાં છેલ્લા ગણતરીના દિવસોમાં તિલકવાડા અને ગરૂડેશ્વરમાં આદિવાસી યુવાનોને પોલીસ દ્વારા ઢોર માર મરાયો હોવાની ઘટનાઓ બનતા રોષ
રાજપીપળા: જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં ગણતરીના દિવસોમાં તિલકવાડા અને ગરૂડેશ્વરમાં આદિવાસી યુવાનોને પોલીસ દ્વારા ઢોર માર મરાયો હોવાની ઘટનાઓ સામે આવી છે.ત્યારે આદિવાસી યુવાનોને પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે નર્મદા જિલ્લા આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ગરુડેશ્વરમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ એક આદિવાસી વિદ્યાર્થીને મિતેશ રાજેશભાઈ તડવીને ઢોર માર માર્યો હોવાની ઘટના વિરૂદ્ધ ગરૂડેશ્વરમાં આદીવાસી આગેવાનોએ રોષ વ્યક્ત કર્યો હતો.
આ ઘટનાના વિરોધમાં ગરુડેશ્વરમાં ભાજપ – કોંગ્રેસ સહિત અન્ય રાજકીય આદિવાસી આગેવાનો અને સામાજીક આગેવાનોએ જંગી રેલી કાઢી ગરૂડેશ્વર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.”હાય રે પોલીસ હાય હાય, પોલીસ તેરી તાનાશાહી નહિ ચલેગી, પોલીસ તેરી ગુંડાગર્દી નહિ ચલેગી” ના નારા સાથે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શબ્દશરણ તડવી, નર્મદા ભાજપ મહામંત્રી, નર્મદા ભાજપ મહિલા મોરચા પ્રમુખ જયશ્રીબેન ધામેલ, ભાજપ આગેવાન દિનેશ તડવી, ગુજરાત કોંગ્રેસ આદિવાસી મોર્ચા ઉપપ્રમુખ રણજીત તડવી, શૈલેષ તડવી સહીતના આગેવાનો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને પોલીસની તાનાશાહી સામે રોષ વ્યક્ત કર્યો હતો.
આદીવાસી આગેવાનોએ અને જણાવ્યું હતું કે પોલીસ નિયમ મુજબ દંડ ઉઘરાવવાની જગ્યાએ કાયદાનો ભંગ કરી માર પીટ કરે છે.પોલીસ કોન્સ્ટેબલ અતુલ ગણપત વસાવા, તથા એમના મદદગાર પોલીસ કર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામાં આવે.તથા પોલીસની દમનગીરી બંધ થાય, ગરીબ આદિવાસી વિરૂદ્ધ અત્યાચાર અટકે એવી અમારી માંગ છે.જો અમારી આ માંગને ધ્યાનમા નહિ લેવાય તો આંદોલન કરીશું.






