
નર્મદા જિલ્લાના સીનિયર સીટીઝન બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
“આઝાદી કા અમૃત મહોત્સવ”, G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા કરાયેલું આયોજન
જિલ્લાની ૫૦ થી વધુ મહિલાઓએ ચેસ, રસ્સાખેંચ, એથ્લેટિક્સ, યોગાસનમાં ઉત્સાહભેર ભાગ લીધો
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”, G-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ચાલુ વર્ષે ૨૦૨૩-૨૪ દરમ્યાન સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી- રાજપીપલા દ્વારા આજરોજ સીનિયર સીટીઝન (૬૦ વર્ષથી ઉપર) બહેનોની એથ્લેટીક્સ, યોગાસન, ચેસ અને રસ્સાખેંચની સ્પર્ધાઓનું જિલ્લા રમત સંકુલ-ધાબાગ્રાઉન્ડ અને છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં ૫૦થી વધુ સિનિયર સિટિઝન મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સ્પર્ધાઓમાં એથ્લેટીક્સ દોડમાં ૧૦૦મી, ૨૦૦મી, ૪૦૦મી, ૮૦૦મી, ૧૫૦૦મી અને ૩ કિમી જલદચાલની સ્પર્ધા થઈ હતી. જેમાં વિજેતા ખેલાડીઓને પ્રમાણપત્રો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર સ્પર્ધાનું આયોજન જિલ્લા રમત વિકાસ અધિકારી વિષ્ણુભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે ડીએલએસએસ(ડિસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ અને ઈન સ્કૂલના કોચિસ અને ટ્રેનર્સ દ્વારા આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું. આગામી સમયમાં પણ અવાર-નવાર આવી સ્પર્ધાઓ યોજાનાર હોય ભવિષ્યમાં યોજાનાર સ્પર્ધાઓમાં વડીલોને મોટી સંખ્યામાં સહભાગી બનવા જિલ્લા રમત વિકાસ અધિકારી દ્વારા અપીલ કરાઈ છે






