
પ્રભારી મંત્રીના અધ્યક્ષપદે નર્મદા જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વિકાસ કામોની વિસ્તૃત સમીક્ષા કરાઈ
રાજપીપલા : જુનેદ ખત્રી
ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી અને નર્મદા જિલ્લના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના અધ્યક્ષપદે આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે નર્મદા જિલ્લા આયોજન મંડળની યોજાયેલી બેઠકમાં મંત્રી પરમારે ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી આપ્યા બાદ વર્ષ ૨૦૨૦-૨૧, ૨૦૨૧-૨૨ અને ૨૦૨૨-૨૩ ના વિકાસ કામોની સમીક્ષા કરી સને ૨૦૨૩-૨૪ના વિવેકાધિન (તાલુકા કક્ષા), પ્રોત્સાહક, નગરપાલિકા અને જિલ્લા કક્ષાની જોગવાઈઓના આયોજન, સાંસદ અને ધારાસભ્ય ના કામોની સમીક્ષા સાથે ચર્ચા કરી હતી. જેમાં નવા હાથ ધરાયેલા અને પ્રગતિ હેઠળના વિકાસ કામો ઝડપથી નિયત સમયવધિમાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને માર્ગદર્શન પુરૂં પાડવાની સાથે જરૂરી સૂચનો કર્યાં હતા.
નર્મદા જિલ્લા આયોજન મંડળની બેઠકને સંબોધતા મંત્રી ભીખુસિંહજી પરમારે જિલ્લાના વિકાસકામોમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહે તે જોવા અને વિવિધ યોજનાના લક્ષિત લાભાર્થીઓ અને જિલ્લા વહિવટીતંત્ર વચ્ચે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા મહત્વની રહેલી છે, ત્યારે વિકાસ કામોના આયોજન અને તેના અમલીકરણની દિશામાં જરૂરી સંકલન જળવાઈ રહે તેવી તેમણે ખાસ હિમાયત કરી હતી.






