તક્ષશિલાકાંડ, ઝૂલતોપુલકાંડ, હરણીકાંડ અને હવે રાજકોટનો TRP… કાંડ હજુ કેટલા મોતના કાંડ બાદ તમારી કહેવાતી સંવેદનશીલતા જાગશે સરકાર?

રાજકોટ : ગઈ કાલે રાજકોટના TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં ૨૮ નિર્દોષો જીવતા ભડથું બની ગયા. સ્થિતિ એટલી ભયંકર હતી કે મૃતકોની ઓળખ કરવા માટે ડીએનએ રિપોટ્સનો સહારો લેવો પડ્યો છે. ઘાયલોમાં અમુકની હાલત હજુ નાજુક બતાવાઈ રહી છે ત્યારે આ મૃતયાંક હજુ પણ વધે તેવી શક્યતાઓ છે.
ગેમ ઝોનના માલિકો, ભ્રષ્ટ અધિકારીઓ અને નપાણીયા નેતાઓના વાંકે ૪૦ ડિગ્રી તાપમાન સહન ન કરી શકનારા ભૂલકાઓ ૮૦૦ ડિગ્રી તાપમાનમાં બળીને ખાખ થયા હતા. બીજીબાજુ દરેક મોતકાંડ બાદ રાજ્યની કહેવાતી સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઘટનાસ્થળ અને ઘાયલોની મુલાકાત લીધી, મૃતકોના પરિવારને અને ઘાયલોને આર્થિક મલમ ચોપડ્યું અને ફરી એકવાર SIT ની રચના કરી.
દરેક મોતકાંડ બાદ મીડિયા સમક્ષ ‘એકપણ ચમરબંધીને છોડવામાં નહીં આવે’ એવો પરંપરાગત નિવેદન આપ્યા વિના જ ગૃહમંત્રી રવાના થયા હતા. તેઓ નિઃશબ્દ હતા કે નફ્ફટાઈ કરી તે સમજવું થોડું મુશ્કેલ છે, કારણકે આજદિન સુધી બનેલા મોતકાંડના મોટાભાગના આરોપીઓ હાલ જામીન પર મજા કરી રહ્યા છે તે આપણે સૌ જાણીએ છીએ.
અહીં સવાલ એ છે કે હજુ આવા કેટલા મોતકાંડ બાદ સરકારની કહેવાતી સંવેદનશીલતા જાગશે? ક્યારે આવા મોતકાંડના દોષિત વ્યક્તિઓ અને ભ્રષ્ટ સરકારી બાબુઓ ઉપર દાખલો બેસાડતી કાર્યવાહી કરવામાં આવશે? કે પછી આમ જ લોકો મરતા રહેશે અને તિલાળા જેવા તમારા ચૂંટાયેલા નેતાઓ ખાખા ખીખી કરતા રહેશે?









