GUJARAT

લોકસભાની પ્રથમ ચૂંટણીમાં મતદાન કરનારા સોલિયાના ૧૧૮ વર્ષીય ચંપાબેન આ વખતે પણ કરશે મતદાન

લોકસભાની પ્રથમ ચૂંટણીમાં મતદાન કરનારા સોલિયાના ૧૧૮ વર્ષીય ચંપાબેન આ વખતે પણ કરશે મતદાન

તાહિર મેમણ : ડેડીયાપાડા – 02/04/2024- – દેડિયાપાડાના જંગલો વચ્ચે આવેલા સોલિયા ગામના ચંપાબેન પારસિંગભાઇ વસાવાને જૂઓ તો તમને એવું લાગે જ નહીં કે આ મહિલા પોતાના જીવનના ૧૧૮ વર્ષના પડાવે પહોંચી ગયા છે ! સમગ્ર નર્મદા જિલ્લામાં સૌથી વધું ઉંમર ધરાવતા સિનિયર સિટીઝન છે, પણ તેમની તંદુરસ્તી તો યુવાનોને પણ શરમાવે એવી છે. ૫૦ થી વધુ પારિવારિક સભ્યોનો વસ્તાર ધરાવતા ચંપાબેન પોતાની ચોથી પેઢીની પ્રપૌત્રી સાથે લોકસભાની આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદાન મથકે જવાના છે. આઝાદી બાદ ૧૯૫૧ માં યોજાયેલી લોકસભાની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય એવા તેઓ રાજ્યના ગણ્યાગાંઠ્યા મતદારો પૈકીના એક છે.

ચંપાબેન વસાવાએ જીવનના અનેક તડકા છાંયા જોયા છે. આઝાદી બાદની અનેક મહત્વપૂર્ણ ઘટનાઓના તેઓ સાક્ષી છે. એક જમાનો હતો કે જ્યારે તેઓ સોલિયાથી સાઇઠ કિલોમિટર દૂર આવેલા પોતાના પિયર ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે ચાલીને જતા હતા. સવારે નીકળે એટલે સંધ્યા ટાણે પહોંચી જાય. ક્વચિત એટલે જ આજે પણ તેઓ સારી રીતે ચાલી શકે છે. તેમનો અભ્યાસ નહીં પણ, અક્ષરજ્ઞાન ખરું ! એટલે પુત્રપૌત્રાદિના અભ્યાસમાં ઘણી રુચિ દાખવી અને ભણાવ્યા છે.

આ વખતની લોકસભાની ચૂંટણીમાં વિશેષ વાત એ છે કે, પરિવારજનોએ ચંપાબાને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવાને બદલે બૂથ ઉપર મતદાન કરાવવા માટે લઇ જવાના છે. બીજી વાત એ કે, આ પરિવારની પુત્રી અનિતા પ્રથમ વખત મતદાન કરવાની છે. એટલે ૧૧૮ વર્ષના ચંપાબા અને ૧૮ વર્ષની અનિતા એક સાથે મતદાન કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા જિલ્લામાં દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના ૩૨ અને નાંદોદ વિધાનસભા મત વિસ્તારના ૪૦ મળી કુલ ૭૨ શતાયુ મતદારો છે. જો આટલા વયોવૃદ્ધ મતદાર મતદાન કરવા જવાના છે, તો બાકીના મતદારોએ પણ કોઇ બહાના કાઢ્યા સિવાય પોતાના બંધારણીય અધિકારનો અવશ્ય ઉપયોગ કરવો જોઇએ.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button