
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા – જામલપાડા રૂટની એસટી બસ રાબેતા મુજબ કાર્યરત હોય છે.આ એસટી બસ આહવા એસટી ડેપોમાં ઉભી હતી.અને નિયત સમયમાં ઉપડવાની તૈયારી કરી રહી હતી.તે વેળાએ સંજના શૈલેષ ગાવીત નામની વિદ્યાર્થીની બોર્ડની પરીક્ષા આપીને પોતાના ગામ ગાઢવી ખાતે જવા માટે આ એસટી બસમાં બેઠી હતી.જોકે એસટી બસની ઉપડવાની તૈયારી થતાની સાથે જ આ બસમાં બેસેલ વિદ્યાર્થીની નામે સંજના ગાવીતને અચાનક ખેંચ આવી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ત્યારે બસનાં ડ્રાઇવર વિનેશ દામુભાઈ ગામીત અને કંડકટર જીગ્નેશ લક્ષ્મણ બાગુલે સ્થિતિને પારખી જઈને તુરંત જ આ એસટી બસને સીધી સિવિલ હોસ્પિટલ આહવા ખાતે લઈ જવામાં આવી હતી.અહી બસ ડ્રાઈવર અને કંડકટરે વિદ્યાર્થીને આહવા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચાડી તાત્કાલિક ધોરણે સારવાર અપાવી હતી.અને વિદ્યાર્થીનીનાં સગા સંબંધીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી.આહવા એસટી ડેપોનાં આહવા-જામલાપાડા બસનાં ડ્રાઇવર અને કંડકટર દ્વારા સમયસૂચકતાનો ઉપયોગ કરીને દીકરીનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરતા ડેપો પર ઉપસ્થિત મુસાફરો દ્વારા તેઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી..





