
તા.૨૩/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
કંટ્રોલ રૂમ, સંદેશાવ્યવહારના સાધનો, સુરક્ષા વ્યવસ્થા વગેરે વિષે ચર્ચા કરાઈ
Rajkot, Jetpur: આગામી વર્ષાઋતુ-૨૦૨૪ના આગોતરા આયોજન માટે જેતપુર તાલુકાના લાયઝન અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી જય ગૌસ્વામીના અધ્યક્ષ સ્થાને મામલતદાર કચેરી,જેતપુર ખાતે તાલુકાના તમામ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં ડેમ ખાતે ૨૪ કલાક કંટ્રોલરૂમ ચાલુ રાખવા, ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત ખેતમજૂરોની યાદી તેમજ વાવાઝોડા કે અતિવૃષ્ટિના સમયે શકયત: શેલ્ટર હોમમાં ખસેડવા માટે જરૂરી અસરગ્રસ્તોની યાદી તૈયાર કરવા, કોઝવે પર સ્થિતિ દર્શક સિગ્નલ મૂકવા, પૂરના સમયે કોઝવે પર પોલીસને બંદોબસ્ત ગોઠવવા વગેરે વિશે સૂચના આપવામાં આવી હતી. અધિકારીશ્રીએ શાળામાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષાને ધ્યાને લઈ વાવાઝોડું કે અતિવૃષ્ટિ સમયે બાળકોને શાળા માટેના પરિવહનના વાહનો બસ-વાન વગેરેને પણ કોઝવે પરથી પસાર ન થવા દેવાની તકેદારી રાખવા જણાવ્યું હતું.
તદુપરાંત નિચાણવાળા વિસ્તારની અને વૈકલ્પિક રસ્તાની યાદી તૈયાર કરી વ્યવસ્થા કરવા,પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળીના તૂટેલા તાર-જોખમી કે ઝૂકેલા વીજ પોલ નિકાલની કામગીરી, આવશ્યક વાયર- નવા પોલ જેવા મટીરીયલના જથ્થા, રસ્તા બંધ થતાં વૃક્ષો હટાવવા-કાપવાના સાધનો, આરોગ્ય કેન્દ્ર-હોસ્પિટલો ખાતે સાધનો-દવાઓ, કલોરિનેશન, રોગચાળો ફેલાતો અટકાવવા જંતુનાશક દવાઓના જથ્થા, માનવબળ વગેરેની ઉપલબ્ધિ વિષે ચર્ચા કરવામાં આવી હતી.
આ બેઠકમાં તાલુકા આરોગ્ય અધિકારી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, માર્ગ અને મકાન પંચાયત તથા રાજયના તાલુકા અધિકારીઓ, પશુ ડોકટર, પી.જી.વી.સી.એલ.ના અધિકારીઓ, તલાટીઓ, ચીફ ઓફિસર જેતપુર વગેરે અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.