TRP કાંડ મામલે હાઈકોર્ટ લાલઘૂમ: અમારે કોઈ સોગંદનામાં જોવા જ નથી, માત્ર નક્કર પગલાં જોઈએ

હાઈકોર્ટે રાજકોટ અગ્નિકાંડ મામલે સરકારની તમામ દલીલો અને બચાવને ફગાવતાં જણાવ્યું કે અમારે કોઈ સોગંદનામાં જોવા જ નથી. માત્ર નક્કર પગલાં જોઈએ છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ અને સ્થાનિક સત્તાવાળાઓની સીધી અને ગંભીર બેદરકારી સામે આવી છે.
આ તમામની નિષ્કાળજીના કારણે જ આ દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષ લોકોના અકાળે મોત થયા છે. હાઈકોર્ટે સંભળાવ્યું કે SIT તમને એક પિક્ચર બતાવશે અને અમારે ડિપાર્ટમેન્ટલ ઈન્કાવાયરી (ખાતાકીય તપાસ) જોઈએ છે. તમે મોરબી પુલ દુર્ઘટનામાં પણ SIT રિપોર્ટ માટે એક વર્ષ રાહ જોઈ હતી.
ચીફ જસ્ટીસે રાજ્ય સરકારને જોરદાર રીતે સાણસામાં લીધી હતી અને જણાવ્યું કે SITનો રિપોર્ટ દુર્ઘટના પૂરતો હશે, પરંતુ વિશાળ જનહિત અને પરિપ્રેક્ષ્યમાં સંપૂર્ણ તપાસ જરૂરી બને છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે SITના રિપોર્ટની રાહ જોવાની જરૂર નથી. હાઈકોર્ટે હવે આ સમગ્ર મામલામાં શહેરી વિકાસના પ્રિન્સીપાલ સેક્રેટરીને તા 16 જુન સુધીમાં ત્રણ સભ્યોની હાઈલેવલની કમીટી બનાવવાનો હુકમ કર્યો છે, અને મનાપાના તમામ જવાબદાર અધિકારીઓ સામે ફેક્ટ ફાઈન્ડીંગ ઈન્કવાયરીનો રિપોર્ટ પંદર દિવસમાં સોપવાનો હુકમ કર્યો.
હાઈકોર્ટે સરકારના સત્તાવાળાઓને સીધો સવાલ પૂછ્યો હતો કે શું શાળામાં આગ લાગે તો કેવી રીતે બચવું તે અંગે બાળકોને અથવા સ્કૂલોને ખબર છે? શાળાઓમાં મોકડ્રીલ થતી નથી પરંતુ તે થવી જોઈએ.
હાઈકોર્ટે રાજ્ય સરકારને વેધક સવાલ કર્યો કે ટીઆરપી ગેમ ઝોનમાં ઉદ્ધાટન વખતના ફોટોગ્રાફમાં રાજકોટના તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતના સંબધિત સત્તાવાળાઓ નજરે પડતા હતા તે મોટી માછલીઓ ક્યાં છે? એ લોકોને ખબર નહોતી કે આ કયા પ્રકારની જગ્યા છે.
હાઈકોર્ટે સરકારની તમામ દલીલો અને બચાવને ફગાવતાં જણાવ્યું કે અમારે કોઈ સોગંદનામાં જોવા જ નથી, માત્ર નક્કર પગલાં જોઈએ છે. મોરબી ઝુલતા પુલ દુર્ઘટના, વડોદરા હરણી બોટ દુર્ઘટના અને રાજકોટ અગ્નિકાંડમાં અધિકારીઓ અને સ્થાનિક સત્તાવાળાઓની સીધી અને ગંભીર બેદરકારી સામે આવી છે. તેઓની નિષ્કાળજીના કારણે જ આ દુર્ઘટનાઓ સર્જાઈ છે અને નિર્દોષલોકોના અકાળે મોત થયા છે.