ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક 5.50 લાખથી વધુ આવક મેળવતા મહીસાગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત

આસીફ શેખ લુણાવાડા
ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક 5.50 લાખથી વધુ આવક મેળવતા મહીસાગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત પ્રશાંતભાઈ પટેલ
પ્રાકૃતિક ખેતી થકી જમીનની ગુણવત્તા અને આર્થિક સ્થિતી બંનેમાં સુધારો શક્ય છે: પ્રશાંતભાઈ પટેલ
જમીનની ફળદ્રુપતા સાથે સાથે મનુષ્ય સ્વાસ્થય માટે પણ ફાયદાકારક છે પ્રાકૃતિક ખેતી: પ્રશાંતભાઈ પટેલ
સાડા ચાર વીઘા જમીનમાં 4000 ડ્રેગન ફ્રૂટનાં છોડ વાવી પહેલા જ વર્ષે 5.50 લાખની કમાણી કરતા પ્રશાંતભાઈ પટેલ
પ્રાકૃતિક કૃષિ થકી ડ્રેગન ફ્રૂટની ખેતી કરતા મહીસાગર જિલ્લાના રણજીતપુરા ગામના પ્રશાંતભાઈ પટેલ જણાવે છે કે તેઓ વર્ષોથી ખેતી કામ સાથે જોડાયેલા છે. પહેલા ખેતીમાંથી અમારી આવક ખૂબ જ મર્યાદિત હતી, અમુક કિસ્સાઓમાં આવક કરતાં જાવક વધુ હતી. જેના કારણે મારે કંઈક અલગ ખેતી કરવી પડે તેવી પરિસ્થિતી સર્જાય.

પાંચ વર્ષ પેહલા હુ મારા બનેવીના ઘરે ગયો હતો કે જેઓ હિંમતનગરમાં રહે છે અને તેમને ડ્રેગન ફ્રૂટની ખેતી કરેલ હતી અને આ ડ્રેગન ફ્રૂટની ખેતી માંથી મે પ્રેરિત થઈ મારા બનેવીના ઘરે જઈને ડ્રેગન ફ્રૂટની જાણકારી મેળવી મે ડ્રેગન ફ્રૂટની ખેતી કરવાનું વિચાર્યું .
અમે બે વર્ષ પેહલા ડ્રેગન ફ્રૂટના રોપા રોપેલા અને ડ્રેગન ફ્રૂટનાં રોપણીનાં માટે 13 માં મહિનામાં ડ્રેગન ફ્રૂટ માર્કેટમાં વેચાણ માટે તૈયાર થઈ ગયા હતા. સાડા ચાર વીઘા જમીનમાં 1000 થાંભલામાં ચાર હજાર ડ્રેગન ફ્રૂટના રોપાનું વાવેતર કરવામાં આવ્યું. જેના થકી પેહલા વર્ષે મે 5.50 લાખથી વધુની કિંમતના ડ્રેગન ફ્રૂટનું વેચાણ કર્યું અને હાલમાં 25 માં મહિને બીજી વાર ડ્રેગન ફ્રૂટ વેચાણ માટે તૈયાર છે ત્યારે પહેલા કરતા આ વર્ષે ડ્રેગન ફ્રૂટની કિંમત ત્રણ ગણી વધુ મળવાની શક્યતા છે. ગયા વર્ષે એક થાંભલા પર સાડા પાંચ કિલો ઉત્પાદન થયું હતું જ્યારે આજે એક થાંભલા પર 18 થી 20 કિલો ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન થવાની સંભાવના છે .

વધુમાં પ્રશાંતભાઈ જણાવે છે કે, આત્મા પ્રોજેકટ દ્વારા મને ડ્રેગન ફ્રૂટ પ્રાકૃતિક ખેતી થકી ઉત્પાદન અંગે સતત માર્ગદર્શન મળી રહ્યું છે. જેમાં અમને જીવામૃત કેવી રીતે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તથા રાસાયણીક ખાતરોની અવેજીમાં અન્ય ક્યાં ક્યાં ઉપાયો કરી શકાય વગેરે માહિતી સતત અને આસાનીથી મળી રહે છે.









