તુર્કી-સીરિયામાં ભૂકંપથી મૃત્યુ પામેલા લોકોનો આંકડો ૩૩ હજારની પાર, હજુ પણ આંક વધવાની શક્યતા

તુર્કી-સીરિયામાં ભૂકંપના કારણે મૃત્યુ પામેલા લોકોનો આંકડો ૩૩ હજારને પાર થઈ ગયો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના કહેવા પ્રમાણે બંને દેશોમાં મળીને મૃત્યુઆંક ૫૦ હજાર થાય એવી શક્યતા છે. તુર્કીમાં અરાજકતા સર્જાઈ છે અને લૂંટફાટની ઘટનાઓ વધી છે. ૪૮ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સેંકડો લોકો આકરી ઠંડી વચ્ચે ભૂખમરાથી પીડાઈ રહ્યા છે.
તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે સરકારના સત્તાવાર આંકડાં પ્રમાણે ૩૩,૧૭૯ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આ આંકડો દરરોજ વધતો જાય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે આશંકા વ્યક્ત કરી હતી કે બંને દેશોમાં મળીને ૫૦ હજાર લોકો મૃત્યુ પામ્યા હોઈ શકે છે.
એક લાખ જેટલા લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. તુર્કીની સરકારે ૧૩૦ લોકો સામે તપાસ હાથ ધરવાની જાહેરાત કરી છે. આ બિલ્ડરો પર ગેરકાયદે બાંધકામ અને બાંધકામમાં ગરબડો કર્યાનો આરોપ છે. તુર્કીમાં અરાજકતાની સ્થિતિ સર્જાઈ ગઈ છે. દેશભરમાં, ખાસ તો ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં લૂંટફાટની ઘટનાઓ વધી છે. લૂંટફાટના આરોપમાં ૪૮ લોકોની ધરપકડ થઈ હતી.
યુએનના અહેવાલ પ્રમાણે તુર્કી અને સીરિયામાં મળીને નવ લાખ જેટલાં લોકો ખાવા-પીવા માટે વલખા મારી રહ્યા છે. તેમને એક ટંકના ભોજનના ફાંફાં પડી રહ્યા છે. આકરી ઠંડીમાં લોકોની હાલત કફોડી થઈ ગઈ છે. ૫૦ લાખ જેટલાં લોકો બેઘર બની ગયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું હતું કે તુર્કી-સીરિયાના આ ભૂકંપમાં અત્યાર સુધીમાં ૨.૬ કરોડ જેટલા લોકોને અસર થઈ છે.










