જૂનાગઢના આણંદપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું કુમકુમ તિલક સાથે સ્વાગત

ગ્રામજનોને સરકારી યોજનાઓનો લાભ લેવા માટે પ્રેરિત કરાયા
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : આણંદપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું અને મહેમાનોનું કુમકુમ તિલક સાથે બાળાઓએ સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના અન્ય રાજ્યમાંથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા જન કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. સાથે જ પ્રધાનમંત્રીએ પ્રસંગોચિત માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે જણાવ્યું કે સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને સામે ચાલીને વિવિધ યોજનાઓનો લાભ આપવાનો અભિગમ અપનાવ્યો છે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સાકાર પણ થઈ રહ્યો છે. તેમણે મહિલા સશક્તિકરણની પ્રાધાન્ય આપવાની વાત કરતા કહ્યું કે, મહિલાઓ આગળ વધે તે માટે નાણાકીય રીતે સશક્તિકરણ થાય તે જરૂરી છે આ માટે સ્વ સહાય જૂથ, કેસ ક્રેડિટ, રિવોલ્વિંગ ફંડ વગેરે દ્વારા મહિલાઓને આર્થિક રીતે પગભર કરવામાં આવી રહી છે. ઉપરાંત સુપોષિત ભારતના નિર્માણ માટે માતૃ શક્તિ, બાળ શક્તિ અને પૂર્ણા શક્તિના પેકેટનો યોગ્ય ઉપયોગ કરી સુપોષિત બનવા માટે અનુરોધ કર્યો હતો.
નલ સે જલ યોજનાના સફળ અમલીકરણ માટે અને ૧૦૦ ટકા નળ કનેકશન આપવા માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર એનાયત કરવામાં આવ્યું હતો.
એપીએમસી- જૂનાગઢના ચેરમેન કેવલભાઈ ચોવટીયા અને અગ્રણી ગોવિંદભાઈ સોલંકીએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે કુ. જેન્સી દીપકભાઈ કાનાબારનું અન્ડર-૧૨ ટેનિસમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે અને ભારતમાં છઠ્ઠા ક્રમ મેળવવા માટે બહુમાન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આરોગ્ય કર્મી અને આંગણવાડી બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત કાર્ડ સહિતના યોજનાકિય લાભોનો વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત મેરી કહાની મેરી જવાની અંતર્ગત જનકલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરપર્સન ભાવનાબેન મૈતર, જિલ્લા પંચાયતના સદસ્ય અનકભાઈ ભોજક, અગ્રણી પ્રવીણભાઈ ઠુંમર, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દિલીપભાઈ ઠુંમર, સરપંચ શોભનાબેન મેરામણભાઇ બંધીયા સહિત જુદા જુદા વિભાગના કર્મચારી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.