વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાની યોજના અમલી બનાવવામા આવેલ છે. આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨(બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને ફાળવેલ લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવનાર છે.
ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ શરૂ કરવામા આવેલ છે. જેમાં ડાંગ જિલ્લામા તા.૧૨/૧૨/૨૦૨૩ થી પોર્ટલ ઉપર ખેડુતો અરજી કરી શકશે. જે નિયત કરેલ સમયગાળા મુજબ દિન-૩૦ સુધી ખુલ્લું મુકવામા આવનાર છે.
આ યોજનાનો લાભ લેવા ખેડૂતોએ લેવાની કાળજી
કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-૧૦માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનીક પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે. જેમા પુરાવા તરીકે ઓનલાઈન અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ, બેન્ક પાસબુકની નકલ/રદ કરેલ ચેક, આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક, ડીમાર્કશન વાળો નકશો રજુ કરવાના રહેશે.
પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી દિન-૧૨૦ માં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત કલેમ જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી કર્યા પછી સહાયની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સીંગ કરવાની સહાય મળવાપાત્ર છે. જેની તમામ ખેડૂતોને નોંધ લેવા માટે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા એક અખબારી યાદીમા જણાવાયુ છે.









