

વાત્સલ્યમ્ સમાચાર
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી 23 નંગ વિદેશી દારૂની પેટીઓ ચોરાતાં જિલ્લા પોલીસ બેડા સહિત જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે એક્શનમાં આવેલ જિલ્લા પોલીસ વડાએ તપાસનો ધમધમાટ આરંભ કરતાં પોલીસ કોન્સ્ટેબલ, જીઆરડી જવાન, ટીઆરબી જવાન સહિત કુલ 15 વ્યક્તિઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરતાં પીપલોદ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ગત તા.20મી ઓગષ્ટના રોજ 44 લાખનો વિદેશી દારૂ ઝડપાયો હતો. આ વિદેશી દારૂ દેવગઢ બારીયાના પીપલોદ પોલીસ મથકના કંમ્પાઉન્ડમાં મુકવામાં આવ્યો હતો. ત્યારે આ વિદેશી દારૂની પેટીઓમાંથી 23 પેટીઓ ચોરી થઈ હોવાનું સામે આવતાં પોલીસ બેડામાં આશ્ચર્ય ફેલાયુ હતું. ઘટનાની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડાને થતાં પોલીસ વડા દ્વારા તપાસના આદેશો આપતાં આ વિદેશી દારૂની પેટીઓની ચોરીની ઘટનામાં પોલીસ કોન્સ્ટેબલ, જીઆરડી જવાન, ટીઆરબી જવાન સહિત કુલ 15 વ્યક્તિઓ સામેલ હોવાનો પર્દાફાશ થયો છે.. પોલીસે તાત્કાલિક ધોરણે આ વ્યક્તિઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.









