
18-ફેબ્રુઆરી
વાત્સલ્યમ્ સમાચાર
રમેશ મહેશ્વરી – કચ્છ
મુન્દ્રા કચ્છ :- ભારત દેશની મહાન સંસ્કૃતિ અને તેની ઉજ્જવળ પરંપરાઓનું મહત્વ ધરાવતું મહાશિવરાત્રીનું પર્વ જનજીવનમાં આજે પણ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઉજવાઈ રહ્યું છે આ મહાશિવરાત્રીનું પાવન પર્વ કલ્યાણકારી શિવ પરમાત્માના દિવ્ય અવતરણની યાદનું મહાન પર્વ છે, જીવનમાંથી દુર્ગુણોને તિલાંજલી આપવાની સાથે સદગુણોને અપનાવવાની પ્રેરણા આપતું આ પર્વ અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ પ્રાપ્ત કરવાનો મંગળ દિવસ છે.મહાશિવરાત્રીની પૂર્વે મુન્દ્રા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા શિવ – શંકરની ચૈતન્ય ઝાંખી તેમજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનો શુભારંભ નગરપાલિકાના પ્રમુખ કિશોરસિંહ પરમાર, કારોબારી ચેરમેન ડાહ્યાલાલ આહીર, પ્રણવ જોશી, પ્રકાશ પાટીદાર તેમજ બ્રહ્માકુમારી વિદ્યાલયના સંચાલિકા રાજયોગીની બ્રહ્માકુમારી સુશીલાદીદી દ્વારા શિવધ્વજ ફરકાવીને કરવામાં આવ્યો હતો. આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી જેમાં વચ્ચે વચ્ચે બ્રહ્માકુમારીઝ ભાઈ – બહેનો દ્વારા બુલંદ અવાજમાં આધ્યાત્મિક સંદેશા દ્વારા શિવરાત્રીનું પર્વ આપણને જીવનમાં કઈ રીતે પરિવર્તનની પ્રેરણા અને શક્તિ આપે છે તેની સમજ આપતા પરમાત્મા શિવની મહિમાના સુંદર ગીતો સાથે શિવરાત્રીના આધ્યાત્મિક રહસ્યો પણ સંભળાવવામાં આવ્યા હતા. આ શોભાયાત્રા જ્યાં જ્યાંથી પસાર થઈ ત્યાંનું વાતાવરણ શિવમય બની ગયું હતું. યાત્રા દરમિયાન પસાર થતા લોકો તેમજ ઘરો અને દુકાનોમાં ઈશ્વરીય સંદેશ સભર શિવમહિમાની પત્રિકાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.