
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
નવસારી જિલ્લાના વાંસદા કોટેજ હોસ્પિટલમાં દર્દીઓના ઘસારાને ધ્યાને લઇ વધુ 100 બેડ વધારવાનું આયોજન હાથ ધરાયુ
નવસારી જિલ્લાના કોટેજ હોસ્પિટલ વાંસદા ખાતે આજરોજ જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે જણાવ્યું હતું કે, કોટેજ હોસ્પિટલ ખાતે ૧૧૧ બેડ કાર્યરત છે તેમ છતાં દર્દીઓના ધસારાના ધ્યાને લઇ આઇ.પી.ડી.માટે ૧૦૦ બેડની ક્ષમતા વધારવા માટેનું આયોજન હાથ ધરાયું છે. કોટેજ હોસ્પિટલમાં મહેકમ ઘટ અંગે આજુબાજુના પી.એચ.સી. અને સી.એસ.સી.સેન્ટરમાંથી સ્ટાફ નર્સને ડેપ્યુટ કરી દર્દીઓને કોઇ મુશ્કેલી ન પડે તેની તાકીદ જિલ્લા કલેકટરશ્રીએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીને કરી હતી.
આ બેઠક માં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પા લતા, આસીસ્ટન્ટ કલેકટરશ્રી ઓમકાર શિન્દે, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલા સહિતના અધિકારીશ્રીઓ તેમજ રોગી કલ્યાણ સમિતિના સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક બાદ જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવે કોટેજ હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી તેમજ ડોકટરશ્રીઓ તથા સ્ટાફ સાથે ચર્ચા કરી તેમની મુશ્કેલીઓના નિવારણ માટે કાર્યવાહી કરવામાં આવશે તેવું વધુમાં જણાવ્યું હતું.









