નવસારી જિલ્લાના વિધાર્થીઓ વિવિધ કલાત્મક પ્રવૃત્તિના માધ્યમથી નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
મતદાન જાગૃતિ “ સ્વીપ” અભિયાન હેઠળ નવસારી જિલ્લાની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજાઇ

પોસ્ટર ડીઝાઈન, નિબંધ અને ચિત્ર સ્પર્ધા સહિત સામૂહિક શપથ લઇ નાગરિકોને મતદાન અંગે જાગૃત કરતા વિદ્યાર્થીઓ
લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત મહત્તમ મતદાન થાય તે હેતુસર નવસારી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP અંતર્ગત ખાસ મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યાં છે. નવસારી જિલ્લાની શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ સાથે મળીને ‘હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબુત બનાવીશ’ તેવા સામૂહિક શપથ લીધા હતા. તથા શાળાઓમાં યોજાઈ રહેલ પોસ્ટર ડીઝાઈન, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે અને સૌ વિધાર્થીઓ પુખ્ત વય થયા બાદ મતદારયાદીમાં નામ નોંધાવવા અને તમામ ચૂંટણીઓમાં મતદાન કરી લોકશાહીની ફરજ બજાવવા માટે સંકલ્પબદ્ધ થઈ રહ્યા છે.
આ સાથે લોકોને મતદાનની પવિત્ર ફરજ અચૂકપણે અદા કરવા અને લોકશાહીના પર્વમાં ભાગીદારી નોંધાવવા શાળામાં ઉપસ્થિત સમગ્ર ટીમ, શાળા પરિવારે સૌ નાગરિકોને અપીલ કરી હતી. ખાસ કરીને મતદાર યાદીમાં નામ નોંધાવનાર યુવા મતદારોને અવશ્ય મતદાન કરવા અનુરોધ કરાયો હતો.








