
દેશભરના યુવાનો નોકરીની શોધમાં પોતાનું શહેર છોડીને અન્ય શહેરોમાં ભટકી રહ્યા છે. નોકરી ઘર ચલાવવુ મુશ્કેલ છે તેથી દરેક યુવાન મહેનત કરીને નોકરી મેળવવા ઇચ્છે છે, પરંતુ નોકરી મેળવવી એટલી જ મુશ્કેલ છે. દેશમાં બેરોજગારી કેટલી હદે વધી ગઇ છે તેનું તાજેતરનું ઉદાહરણ એક વીડિયોમાં જોઈ શકાય છે.
પૂણે સ્થિત કોગ્નિઝન્ટ કંપનીનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જ્યાં 100 જેટલી જગ્યાઓ ખાલી હતી જેમાં 3,000 જેટલા લોકો ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા. જેનું પરિણામ એ આવ્યું કે ભીડ એટલી વધી ગઈ કે કંપનીની બહાર ઈન્ટરવ્યુ લેનારાઓની લાઈન ઉભી જોવા મળી. જ્યાં દરેક હાથમાં બાયોડેટા લઈને લોકો રાહ જોઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોના કેપ્શનમાં લખ્યુ છેકે, ‘જુનિયર ડેવલપર’ના પદ માટે લગભગ 100 ખાલી જગ્યાઓની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ લગભગ 3000 લોકો ઇન્ટરવ્યુ માટે આવ્યા હતા.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘job4software’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. કેપ્શન લખ્યું છે – કોગ્નિઝન્ટ વૉક-ઇન પુણે, હિંજેવાડી”. આ વીડિયોને અત્યાર સુધીમાં 8 મિલિયનથી વધુ યુઝર્સ દ્વારા જોવામાં આવ્યો છે. એક લાખથી વધુ લાઇક મળી છે.
કેટલાક લોકો કહે છે કે વૉક ઇનનો અર્થ એ છે કે લોકો જાહેરાત જોતાની સાથે જ મોટી સંખ્યામાં ઇન્ટરવ્યુ માટે આવે છે. જ્યારે કેટલાકનું કહેવું છે કે, દેશમાં બેરોજગારીની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. કેટલાકે આનું કારણ વધતી જતી વસ્તી પણ ગણાવી હતી. આ સાથે જ કેટલાક યુઝર્સે મજા પણ માણી હતી. એક યુઝરે લખ્યું- રામ મંદિરના અભિષેક વખતે પણ આટલી ભીડ નહોતી.










