
તા.૧૫.૦૫.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:પેથાપુરમાં ચાલી રહેલ ભાગવત કથા શ્રીમદ ભાગવત કથાનો છઠ્ઠો દિવસઃ 56 ભોગના વ્યંજનો – ઠાકોરજીને પીરસાયો
શ્રી કૃષ્ણ અને રૂકમણી વિવાહ, ગોવર્ધન ધારણ લીલાનું અમૃત પીવડાવ્યું હતું પેથાપુરમાં શ્રીમત ભાગવત કથાના છઠ્ઠા દિવસે કથા વ્યાસથી વિષ્ણુજી મહારાજે ભક્તોને શ્રી કૃષ્ણ અને રૂકમણી વિવાહની, ગોવર્ધન ધારણ લીલાનું અમૃત પીવડાવ્યું હતું. શ્રીમદ ભાગવત કથા દરમિયાન વચ્ચે સુંદર ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. શ્રીમદ ભાગવત કથાના છઠ્ઠા દિવસે કથા વાચકે ગણેશ વંદના અનુષ્ઠાન સાથે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ કરાવ્યો હતો. છઠ્ઠા દિવસે ભગવાન શ્રી કૃષ્ણની દિવ્ય મહારાસ લીલાનું કથામાં વર્ણન કરવામાં આવ્યું હતું.કથાકાર વિષ્ણુજી મહારાજે કહ્યું કે ભગવાનની મહારાસ લીલા એટલી દિવ્ય હતી કે ભોલેનાથ પોતે તેમના બાળક સ્વરૂપને જોવા માટે ગોકુલ પહોંચ્યા હતા. મથુરાની યાત્રા દરમિયાન અક્રૂરજી ભગવાનને લેવા આવ્યા. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ મથુરા જવા લાગ્યા ત્યારે બ્રજની તમામ ગોપીઓ શ્રીકૃષ્ણના રથની સામે આવીને ઊભી રહી. તેણીએ કહ્યું, ઓ કન્હૈયા, જ્યારે તેં અમને છોડીને જવાનું હતું, તો પછી તેં અમને પ્રેમ કેમ કર્યો? ગોપી ઉદ્ધવ સંવાદ રજૂ કરવામાં આવ્યો હતો. જેનો ભક્તોએ આનંદ માણ્યો હતો. છપ્પન ભોગ શા માટે ધરાવાય છે જેનું વર્ણન કરતા જણાવે છે શ્રીકૃષ્ણએ સતત સાત દિવસ સુધી ગોવર્ધન પર્વતને તેમની ટચલી આંગણીએ ધારણ કરી રાખ્યો હોવાની કથા સર્વવિદિત છે. અને વાસ્તવમાં પ્રભુને અર્પણ થતાં છપ્પન ભોગની પ્રણાલી પણ આ કથા સાથે જ જોડાયેલી છે. આ કથા અનુસાર માતા યશોદા બાળકૃષ્ણને એક દિવસમાં આઠ વખત ભોજન કરાવતા હતા. પણ એકવાર વ્રજ પર ઈન્દ્રનો પ્રકોપ ઉતર્યો. અને અનરાધાર વરસાદ વરસ્યો. આ વરસાદથી વ્રજવાસીઓની રક્ષા કરવા ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉઠાવી લીધો હતો. માત્ર સાત વર્ષનો કાનુડો સતત સાત દિવસ સુધી ગોવર્ધનને ધારણ કરીને ઉભો રહ્યો. એ પણ, અન્નજળ ગ્રહણ કર્યા વિના ! પ્રભુની લીલા સામે હારીને આખરે ઈન્દ્રને પોતાની ભૂલ સમજાઈ. તેણે પ્રભુની ક્ષમા માંગીને આઠમાં દિવસે વરસાદને રોકી લીધો. શ્રીકૃષ્ણએ પણ તમામ વ્રજવાસીઓને ગોવર્ધન પર્વત નીચેથી નીકળી જવાનું કહ્યું. પરંતુ, દિવસમાં આઠ વખત ભોજન કરનાર કૃષ્ણ સળંગ સાત દિવસ સુધી ભુખ્યા રહેતા વ્રજવાસીઓ અને મૈયા યશોદાને ખુબ દુઃખ થયું હતું. આખરે, પ્રભુ પ્રત્યેની પોતાની અનન્ય શ્રદ્ધા દેખાડતા તમામ વ્રજવાસીઓ સહિત યશોદા માતાએ સાત દિવસ અને આઠ પ્રહરના હિસાબથી (7×8=56) છપ્પન વ્યંજનો બનાવ્યા. અને તે છપ્પન ભોગ બાલગોપાલને ભાવથી ખવડાવ્યા. માન્યતા અનુસાર તે સમયથી જ ઠાકોરજીને 56 ભોગ અર્પણ કરવાની પ્રણાલીનો પ્રારંભ થયો છે. આજે શ્રીમદ ભાગવત કથાના સાતમા દિવસે કથાનું રસપાન સવારે 9 થી 12 સુધી ત્યારબાદ હવન પૂજન અને ભંડારાનું આયોજન કરવામાં આવનાર છે આ જ્ઞાન યજ્ઞમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી









