પાલનપુર ખાતે વિદ્યાની દેવી માં સરસ્વતિ પૂજન તથા માતૃ પિતૃ પૂજન દિવસની સ્વસ્તિક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ

17 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
વસંતપંચમી ગુજરાતી પંચાંગ મુજબ મહા સુદ પાંચમના દિવસે ઉજવાતો હિંદુ તહેવાર છે. વસંતપંચમી એટલે શ્રી પંચમી-વિદ્યાની દેવી, જ્ઞાનની દેવી માતા સરસ્વતીનો પ્રાદુર્ભાવનો દિવસ. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંતપંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરિત થયા હતા.આ પ્રસંગે માઁ સરસ્વતિની પૂજા-અર્ચના કરી શાળાના બાળકોએ વસંતપંચમી વિશે વક્તવ્ય આપ્યું હતું. ઉપરાંત સરસ્વતિ વંદના અને નૃત્ય દ્વારા વિદ્યાની દેવીના ગુણગાન ગાયા હતા. તદુપરાંત, નવીન પ્રવેશ લીધેલ બાળકોને કુમકુમ તિલક લગાવી, રક્ષા પોટલી બાંધી, પુસ્તક અને પેન્સિલ ની ભેટ આપી તેમના સ્વાસ્થ્ય અને ઉત્તમ વિદ્યા માટેની શુભકામના પાઠવી હતી. સાથે સાથે બાળકોમાં મૂલ્યોનું સિંચન થાય અને મૂલ્યલક્ષી શિક્ષણ મળે તે હેતુથી શાળામાં બાળકોના માતા-પિતા ને બોલાવી તેમનું કુમકુમ તિલક, ચોખા અને ફુલહારથી પૂજન કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા માતૃ દેવો ભવઃ પિતૃ દેવો ભવઃ મંત્રોચ્ચાર ની સાથે તેમના માતાપિતાની પ્રદક્ષિણા કરવામાં આવી હતી. આમ, 14 ફેબ્રુઆરી એટલે માતૃ પિતૃ પૂજન રૂપી પાવન દિવસની ઉજવણી પણ શાળામાં કરવામાં આવી હતી.આમ, માઁ સરસ્વતિ અને માતાપિતા ના પૂજન નો અનેરો સંગમ થતાં સમસ્ત સંકુલનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.આ સમગ્ર કાર્યક્રમ સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ ના પ્રમુખ રમેશ પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો હતો. ઉપરાંત સ્વસ્તિક હાઇસ્કૂલના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પંચાલ, સ્વસ્તિક હાઇસ્કૂલના આચાર્ય મણીભાઈ સુથાર, તેમજ મંડળના સભ્યો હાજર રહ્યા હતા. શાળાના આચાર્યા હેતલ રાવલે માતાપિતાના ચરણોમાં જ 68 તિર્થ છે કહી બાળકોને માતાપિતાનો મહિમા સમજાવ્યો હતો. બાળકો અને તમામ સ્ટાફ ગણની મહેનત થી સમસ્ત કાર્યક્રમ દીપી ઉઠ્યો હતો.