

હિંમતનગરની ધાણધા નર્સરી ખાતે ૨.૫ લાખ થી વધુ છોડવાઓ ઉછેર્યા
***************
૨૫૦૦ થી વધુ વડના રોપા, જુદા જુદા ૬૦ પ્રકારના ફળ-ફુલ વૃક્ષોના રોપા તૈયાર કરાયા
****************
સાબરકાંઠા જિલ્લાને હરીયાળો બનાવવા માટે આ વખતે જિલ્લા સમાહર્તાશ્રી દ્વારા ૫૧ લાખ વૃક્ષો વાવવાનો અને તેના ઉછેર માટેની ખાસ પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત હિંમતનગર તાલુકાની ધાણધા નર્સરી ખાતે અઢી લાખથી વધુ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે.
ધાણધા નર્સરીના વન રક્ષક શ્રી કિર્તીસિંહ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓએ બે-બે નર્સરી આવેલ છે. જ્યાં હાલમાં ચોમાસાની સિઝનમાં રોપાઓનું વિતરણ ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં ધાણધા ખાતે અઢી લાખથી વધુ રોપા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ ૬૦ પ્રકારના વૃક્ષો, ફળ-ફુલ, ઔષધીય છોડવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની પાસે હાલમાં શાળા,કોલેજ માંથી જે રીતે જરૂરિયાત મુજબ ફળ ફુલ અને વૃક્ષો માંગવામાં આવે છે તે વિનામૂલ્ય ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે. સાથે ખેડૂતો માટે પણ જુદી જુદી સ્કિમ હેઠળ છોડવાઓનું વિતરણ કરવામાં આવે છે. શાળા કોલેજ માટે ફળાઉ વૃક્ષો જેવા કે જાંબુ, આંમળા, આંબા, લીંબુ, સાથે સુશોભનના ફૂલછોડ જેવા કે, જાસુદ, જેટ્રોફા, રૂપેલીયા, તિલક તુલસી, લાલ કરણ, ચંપા જેવા છોડવાઓ, સાથે ઔષધીય છોડવામાં મહુડો, કુંવરપાઠુ,પાનફૂટી,તુલસી,અરીઠ,અરડુંસી જેવા છોડવાઓ ઉપલબ્ધ છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, આ વર્ષે ગુજરાત સરકાર દ્વારા ખાસ ‘નમો વડ’ વન માટે ૨૫૦૦ થી વધુ વડના વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે. નમો વડ વનની સાથે જિલ્લામાં ઘનિષ્ઠ વનીકરણ માટે એક બીટમાં ત્રણ ગામ લઈ તેમાં એક ગામમાં ૫૦૦૦ થી ૨૫૦૦૦ રોપાનું વાવેતર કરી ત્રણ વર્ષ સુધી તેના ઉછેર માટે વન વિભાગ દ્વારા એક વ્યક્તિ રોકવામાં આવશે. જે આ છોડવાઓના ઉછેરની જવાબદારી સંભાળશે.
આમ માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ તેની માવજત કરી માઈક્રો પ્લાનિંગ થી સાબરકાંઠા જિલ્લાને હરિયાળો બનાવવા માટે વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા ખાસ પહેલ કરવામાં આવી છે. સૌ સાથે મળી આ પહેલને સફળ બનાવી વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેરને મહત્વ આપીએ. જેથી ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યાઓને હળવી કરવા પ્રયત્નશીલ બનીએ.
જયંતિ પરમાર સાબરકાંઠા



