

ઈડર હીંગરાજના ભાવિકભાઈ પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન મળે તે માટે પ્રયત્નશીલ
ગાયના ગૌમુત્ર અને ગોબરમાંથી ઘનજીવામૃત બનાવી ભાવિકભાઇ આર્થિક કમાણીની સાથે પ્રકૃતિ સંવર્ધન કરે છે
પ્રાકૃતિક ખેતીમાં પોતાને મળેલા ઉત્તમ પરિણામોનો લાભ બીજા ખેડૂતો મેળવી ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે ભાવિકભાઈ દેશી ગાયના ગૌમૂત્ર છાણનો ઉપયોગ કરી ઘન જીવામૃત ખાતર બનાવી તેનું વેચાણ કરી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડરના હિંગરાજના ૩૩ વર્ષીય ભાવિકભાઈ પોતે કોમર્સ ગ્રેજ્યુએટ છે અને ખેતીને જ પોતાનો વ્યવસાય બનાવી આજે સફળ ખેડૂત બન્યા છે. તેઓ સમયસર અને આયોજન થકી એક નોકરી કરતા પણ સારી આવક મેળવી શકાય છે તે સિદ્ધ કરી બતાવ્યું છે.
ભાવિકભાઇ હાલમાં આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવાનું કામ કરે છે તેમજ દેશી ગાયના ગૌમુત્ર-ગોબરમાંથી ઘન જીવામૃત, બીજામૃત વગેરે બનાવે છે. ભાવિકભાઇ વ્યવસાયિક ધોરણે ઘનજીવામૃત બનાવવાની શરૂઆત કરી છે. કારણ કે જે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી છે પરંતુ તેમની પાસે દેશી ગાય ન હોવાથી તેઓ આ ખેતી કરી શકતા નથી તેમના માટે ઘનજીવામૃત લાભદાયી નિવડી રહ્યું છે.
ભાવિકભાઇ જણાવે છે કે,પોતાની પાસે છ ગાયો હોવાથી તેમને ઘનજીવામૃત ખાતર બનાવી વેચાણ શરૂ કર્યું છે. ખેડૂતોને તેના સારા પરિણામો મળે છે પાકની વાવણી વખતે ખેતરમાં ઘન જીવામૃત પાણી સાથે અથવા છંટકાવ કરવાથી ખેતરમાં અળસિયાનું પ્રમાણ વધે છે. જેના કારણે ખેતીમાં ખૂબ જ સારો ફાયદો રહે છે તેમજ અન્ય રાસાયણિક ખાતરો આપવા પડતા નથી. જેના કારણે ખેડૂતનો ખર્ચ ઘટે છે. સાથે ઘનજીવામૃતના ઉપયોગથી અળસિયાના કારણે જમીન પોચી બનતા પાણીનું પ્રમાણ પણ ઓછું આપવું પડે છે. રાસાયણિક ખેતી થતી થતા જીવલેણ રોગોથી પણ બચી શકાય છે. જમીન બિન ઉપજાઉ બનતી અટકે છે. તેમજ પર્યાવરણને ખૂબ જ ફાયદો થાય છે. હાલમાં તેઓ નાના પાયા ઉપર પરંતુ ખૂબ જ સારી રીતે ખેડૂતોને મદદરૂપ બની રહ્યા છે સાથે પોતે પણ પોતાની આવકમાં વધારો કરી રહ્યા છે
ભાવિકભાઈએ હાલમાં પોતાના ખેતરમાં તેર પ્રકારના શાકભાજી વાવ્યા છે જેમાં ગવાર, ચોળી, રીંગણ, તુરીયા, પરવર, ગિલોડી, કારેલા, ભીંડા, મરચા, કંકોડા વગેરેનું મોડલ ફાર્મિંગ કરીને પોતાની આવક બમણી કરવાની સાથે પ્રકૃતિનું સંવર્ધન કરી રહ્યા છે. લોકોના સ્વાસ્થ્યને લાભ પહોંચાડી કમાણી કરે છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



