તા.૨૧/૮/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા વિવિધ સ્પર્ધાના કાર્યક્રમો જાણી ભાગ લેવા વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા સૂચના
સ્કૂલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાજ્યમાં શાળાકીય રમત ગમત સ્પર્ધાનો શુભારંભ આગામી તા. ૨૪ ઓગસ્ટથી થવા જઈ રહ્યો છે, જે અન્વયે વિવિધ સ્પર્ધાઓ અન્ડર ૧૪, અન્ડર ૧૭ અને અન્ડર ૧૯ કેટેગરીમાં યોજાશે. સ્પર્ધાનો પ્રારંભ તા. ૨૪ અને તા. ૨૫ ઓગસ્ટથી તાલુકા કક્ષાએ થશે.જયારે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા. ૨૪ ઓગસ્ટ થી તા. ૨ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ સાથે રાજ્યકક્ષાની સપર્ધાઓ યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ટાઈમ ટેબલ મુજબ જે તે રમતની સ્પર્ધાની નિયત તારીખથી એક દિવસ પહેલા એન્ટ્રી મોકલી આપવાની રહેશે. એન્ટ્રી મોકલવા માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીની કચેરી, પોલીસ હેડ ક્વાર્ટરની બાજુમાં, સ્પોર્ટસ હોસ્ટેલ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા ઈમેલ dsdo-rajkot@gujarat.gov.in પર મોકલી આપવા જીલ્લા રમત વિકાસ અધિકારી શ્રી દ્વારા અનુરોધ કરાયો છે.
જીલ્લા રમત વિકાસ અધિકારીશ્રીના જણાવ્યા મુજબ તાલુકા કક્ષાએ ખોખો, વોલીબોલ, એથ્લેટિક્સ અને કબડી જ્યારે જિલ્લા કક્ષાએ ચેસ, ફૂટબોલ, ટેનિસ, કરાટે, આર્ચરી, સાયકલિંગ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, ક્રિકેટ, બોલ, કુસ્તી, સ્વિમિંગ અને ડાઈવીંગ, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, યોગાસન, હોકી અને જુડોની રમતની સ્પર્ધાઓ યોજાશે. જ્યારે સીધી રાજ્યકક્ષાએ સાયકલિંગ, બોક્સિંગ, ફેન્સીંગ, શૂટિંગ, સોફ્ટબોલ, રગબી, બીચ વોલીબોલ, સોફ્ટ ટેનિસ, મલખમ, માર્શલ આર્ટ, વોટર પોલો, મોડર્ન પેન્ટલાથોન સહિતની રમતોની સ્પર્ધાઓ યોજાશે.
વિવિધ રમત ગમત સ્પર્ધાઓ માટે નિયત શાળાઓ – કેન્દ્રોનું કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું હોઈ સંબંધિત શાળાના આચાર્યશ્રી, વ્યાયમ શિક્ષકોએ આ સ્પર્ધમાં ભાગ લેવા ઇચ્છુક વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીશ્રી રમા મદ્રાની યાદીમાં જણાવાયું છે.








