
ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ૪૯ દિવસ બાદ શરતી જામીન સાથે જેલમાંથી છૂટયા
અમે ભગવાન બિરસા મુંડાના વંશજો છીએ, માટે ક્યારેય પણ ભાજપ સામે ઝુકીશું નહીં: ચૈતર વસાવા
ભરૂચ નર્મદા જિલ્લાની હદ બહાર રહેવાની શરતી જામીને છૂટેલા ધારાસભ્ય ચૈતર વસાવા ગાંધીનગર સરકારી ક્વાર્ટરમાં રહેશે
રાજપીપળા: જુનેદ ખત્રી
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા સામે વન કર્મીને માર મારવા સહિતના ગુના હેઠળ ફરિયાદ દાખલ થઈ હતી તેઓને આગોતરા જામીન નહિ મળતા ૧૨ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું ત્યારબાદ ૪૯ જેટલા દિવસો જેલમાં ગળ્યા બાદ આજે ચૈતર વસાવા જામીન લઈ જેલ બહાર આવ્યા છે હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના લોકો અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. ચૈતર વસાવાના સ્વાગત માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, યુવાનેતા યુવરાજસિંહ જાડેજા અને પ્રદેશ મંત્રી કરસનદાસ બાપુ ભાદરકા સહિત અનેક પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા.

ચૈતર વસાવાના સમર્થનમાં મૌવી ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. આ દરમિયાન મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા ચૈતરભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, વન વિભાગના કર્મચારીઓએ ચાર દિવસ બાદ મારા પર ફરિયાદ કરી અને હજુ સુધી પોલીસ પાસે કોઈ પુરાવા નથી કારણ કે આ કેસમાં કોઈ તથ્ય નથી પોલીસ અને ભાજપના માણસો દ્વારા ઉપજાવી કાઢેલી વાતો છે. પોલીસે કહ્યું છે કે હું માથાભારે માણસ છું અને જાનમાલને નુકસાન કરું છું. અમે કોઈની જાનમાં નુકસાન કર્યું નથી અને હું કોઈ માથાભારે માણસ પણ નથી. આ સમગ્ર કેસમાં પોલીસે અને ભાજપે બનાવેલી વાતો છે. આવનારા સમયમાં સત્યનો વિજય થશે.
આમ આદમી પાર્ટી દ્વારા જણાવામાં આવ્યું કે ભાજપે સામસામ દંડ ભેદની નીતિ અપનાવી છે. પરંતુ અમે ભગવાન બિરસા મુંડાના વંશજો છીએ, માટે અમે ક્યારેય પણ ભાજપ સામે ઝુકીશું નહીં. છેલ્લા ત્રણ મહિનાથી મારા ધર્મ પત્ની જેલમાં છે. મને નામદાર કોર્ટ દ્વારા શરતી જામીન મળ્યા હતા. અમે તેને આવકારીએ છીએ અને આ શરતોને દૂર કરવા માટે અમે હાઇકોર્ટમાં અપીલ કરીશું. વન વિભાગના કર્મચારીઓને જાણ હોવી જોઈએ કે સદીઓથી આ જળ, જંગલ અને જમીન આદિવાસીઓની છે અને વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત અમને જે જમીનનો મળી છે તે અમે ખેડી રહ્યા છીએ અને આવનારા સમયમાં જે લોકોને હજુ જમીન નથી મળી, તેના માટે પણ અમે લડત લડીશું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તથા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી જેલમાં મારી મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે ભરૂચ લોકસભા ઉમેદવાર તરીકે મારું નામ જાહેર કર્યું હતું. હાલના તબક્કે ભરૂચ લોકસભા લડવાની અમારી પૂરેપૂરી તૈયારી છે અને અમે મજબૂત ઉમેદવાર પણ છીએ. અમે પૂરી તાકાતથી ભરૂચ લોકસભા લડવાના પણ છીએ અને જીતવાના પણ છીએ તેમ જણાવ્યું હતું
*** જામીન માટે બીડું લઈને આવતા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવાને પોલીસે અટકાવ્યા હોવાનો આક્ષેપ..
ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મ પત્ની વર્ષાબેન તેમજ અન્ય મિત્રો સવારે ડેડિયાપાડા થી ચૈતર વસાવાના જામીન કરાવવા માટે બીડું લઈને આવતા હતા ત્યારે કોલીવડા પાસે પોલીસે તેમને અટકાવ્યા હોવાના આક્ષેપ તેઓએ લગાવ્યા હતા
*** ચૈતર વસાવાના બીજા પત્ની શકુંતલા બેનના આજે જામીન થશે !!
ચૈતર વસાવાના જામીન રાજપીપલા કોર્ટમાંથી સાત દિવસ અગાઉ થઈ ગયા હતા પરંતુ પત્નીના જામીન થઈ ગયા બાદ સાથે બહાર આવવાની વાત ચૈતર વસાવાએ કરી હતી પરંતુ વિધાનસભાનું સત્ર કાલથી શરૂ થવાનું હોય પ્રજાના અવાજને વિધાનસભામાં બુલંદ કરવા પત્ની શકુંતલા બેને તેઓને બહાર જવા જણાવ્યું હોવાની પણ વાત સામે આવી છે શકુંતલા બેનની જામીન અરજી માટે આજે જિલ્લા કોર્ટમાં સુનાવણી છે ત્યારે બીજી ફેબ્રુઆરીએ તેઓ જામીન ઉપર મુક્ત થશે તેવી આશા સેવાઈ રહી છે









