
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
મતદાન જાગૃતિ માટે લુણાવાડા કલેકટર કચેરી પટાંગણમાં કરાઈ રંગોળી
જિલ્લા ચુંટણી અધિકારી નેહા કુમારીએ રંગોળી નિહાળી જિલ્લામાં મહત્તમ મતદાન માટે અપીલ કરી

લોકસભા ચુંટણીમાં મતદારોની સહભાગીદારી વધે તે માટે મતદાન જાગૃતિના સઘન ઝુંબેશના ભાગરૂપે મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત લુણાવાડા કલેકટર કચેરી પટાંગણ ખાતે રંગોળી દ્વારા મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતા.
વધુમાં વધુ મતદારો પોતાનો કિંમતી મત આપી લોકશાહીના મહાપર્વમાં ભાગીદારી નોંધાવે તે હેતુથી સ્વીપ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ પ્રયાસો થઈ રહ્યા છે. જે અંતર્ગત બહેનો દ્વારા લુણાવાડા કલેકટર કચેરી પટાંગણમાં મતદાન જાગૃતિ માટે રંગોળી કરીને નાગરિકોને મતદાન અંગે જાગૃત કરવાનો એક સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. “આવો મતદાન કરીએ” , “ચુનાવ કા પર્વ દેશ કા ગર્વ” “proud for vote” તથા “vote for better India” ના સંદેશા થકી મહિલાઓ, પુરુષો અને યુવા મતદારોને સો ટકા મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત લુણાવાડામાં જિલ્લામાં ચાર કોશિયા, પોલીસ ચોકી સામે, કોટેજ ચોકડી અને બાલાસિનોર તાલુકામાં બસ સ્ટેશન ખાતે લોકસભાના ચૂંટણી 2024 અંતર્ગત મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ ભાગ લઈ રંગોળી પૂરી લોકોને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા.









