
તા.૧૫ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આગામી તા. ૨૧ જૂનના રોજ નવમાં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે રાજ્યભરમાં દર શનિવાર અને રવિવારે કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે રાજકોટ શહેરમાં રાજ્ય યોગ બોર્ડના યોગ નિષ્ણાતશ્રી અનિલભાઈ ત્રિવેદી, રાજકોટ મહાનગરપાલિકા યોગ કો-ઓર્ડીનેટરશ્રી વંદનાબેન રાજાણી તથા યોગ કોચશ્રી ગીતાબેન સોજીત્રાના માર્ગદર્શન હેઠળ કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરો નિ:શુલ્ક યોજાઈ હતી.

ગત તા. ૧૩ને શનિવારે રાજકોટ નાગરિક સહકારી બેંક સંચાલિત ક્રિકેટ કેમ્પમાં ભાગ લેતાં બાળકોની રાહ જોતા વાલીઓના સમયનો સદુપયોગ અને યોગનો પ્રચાર-પ્રસાર થાય, તે હેતુસર યોગ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં નેચરોથેરોપી ડોક્ટર્સશ્રીઓ ચિંતનભાઈ અને લીનાબેન દ્વારા વાલીઓ અને બેંકના કર્મચારીઓને યોગાસનની તાલીમ અપાઈ હતી. તેમજ સેવાકીય સંસ્થા શ્રીકૃષ્ણ ચિકિત્સાલય ખાતે આયોજિત યોગ શિબિરમાં યોગ કોચશ્રી નીતિનભાઈ કેસરિયાના નેજા હેઠળ ડોક્ટર્સ અને કર્મીઓએ યોગાસનનો લ્હાવો લીધો હતો. આ તકે રાજકોટ યોગ કોચશ્રી નીતાબેન શાહ અને પતંજલિ મહિલા સમિતિના પ્રભારીશ્રી નિશાબેન ઠુમ્મર અને ચિકિત્સાલયના ચેરમેનશ્રી મનુભાઈ કોટક ઉપસ્થિત રહ્યા હતા.

ગત તા. ૧૪ને રવિવારે કોઠારીયા રોડ પર રામજી મંદિર ખાતે યોગ ટ્રેનર્સશ્રી તૃષાબેન જીવરાજાની અને કુંદનબેન જાદવ એ સ્થાનિકોને યોગાસન અને પ્રાણાયામની પ્રેક્ટીસ કરાવી તેના ફાયદાની જાણકારી આપી હતી. આ તકે જિલ્લા કો-ઓર્ડીનેટરશ્રી દીપકભાઈ તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. આમ, કોમન યોગ પ્રોટોકોલ તાલીમ શિબિરોનો અનેક સાધકોએ લાભ લીધો હતો.








