
બેઇજિંગ : ચીને ભારતના અરુણાચલ પ્રદેશને પોતાનો વિસ્તાર દર્શાવતો નક્શો જાહેર કર્યો છે, એવામાં હવે એક રિપોર્ટમાં સેટેલાઇટ તસવીરો સાથે દાવો કરવામાં આવ્યો છે કે ચીને પચાવી પાડેલા અક્સાઇ ચીનમાં અન્ડરગ્રાઉન્ડ બંકરો બનાવ્યા છે. જેને કારણે ભારતની મુશ્કેલી વધી શકે છે. લદ્દાખના ડેપસાંગથી માત્ર ૬૦ કિમી દૂર અક્સાઇ ચીનમાં ડ્રેગન પોતાના જવાનો અને યુદ્ધના હથિયારો માટે અન્ડર ગ્રાઉન્ડ બંકરો બનાવી રહ્યું છે. જે સેટેલાઇટ તસવીરો સામે આવી છે તેમાં આ ખુલાસો થયો છે. તસવીરોમાં ભારતની સરહદ પાસે બંકરોનું બાંધકામ થઇ રહ્યું છે તે અને ચીની સૈનિકો પણ જોવા મળી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય ભૂ-ગુપ્ત નિષ્ણાતોએ સેટેલાઇટ એજન્સી મેક્સર દ્વારા લેવામાં આવેલી સેટેલાઇટની તસવીરોને જાહેર કરી છે. નિષ્ણાતોએ આ સેટેલાઇટ તસવીરોના આધારે અક્સાઇ ચીનની ઘાટીમાં આશરે ૧૧ સુરંગોને પણ શોધી કાઢી છે. જેને ચીન દ્વારા તૈયાર કરવામાં આવી છે. સાથે એવા પણ અહેવાલો છે કે ભારતીય સૈન્ય દ્વારા હવાઇ હુમલાથી બચવા માટે ચીન આ બંકરો બનાવી રહ્યું છે, એટલે કે ચીન ડરને કારણે હવે અન્ડર ગ્રાઉન્ડ બંકરોનો આશરો લેવા લાગ્યું છે.
તાજેતરમાં જ ભારતીય એરફોર્સને રફાલ વિમાનો મળ્યા છે. જે ચીન માટે ખતરનાક માનવામાં આવે છે. જેને પહોંચી વળવા માટે ચીન હવે આ પગલુ ભરી રહ્યું હોવાનો દાવો પણ થઇ રહ્યો છે. જે અક્સાઇ ચીનમાં આ બંકરો બનાવવામાં આવી રહ્યા છે તે મૂળ ભારતનો હિસ્સો છે, જેને ચીને પચાવી પાડયો છે અને હવે ત્યાં પોતાના સૈન્યને મજબૂત કરી રહ્યું છે. જે આવનારા દિવસોમાં ભારત માટે ખતરા સમાન માનવામાં આવે છે. આ સેટેલાઇટ તસવીરો પર સંશોધન કરનારા નિષ્ણાત ડેમિયન સાઇમને મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે ભારતીય એરફોર્સની તાકાત વધી છે. જેની સામે પહોંચી વળવા અને પોતાની સ્થિતિને મજબુત કરવા માટે ભારતની સરહદ પાસે ચીન આ બાંધકામ કરી રહ્યું છે.
ભારતમાં આગામી મહિને જી-૨૦ સમ્મેલન યોજાવા જઇ રહ્યું છે, તે પહેલા ચીન દ્વારા અવળચંડાઇ કરાઇ અને અરુણાચલ પ્રદેશને પોતાનો હિસ્સો ગણાવતો જુઠો નક્શો જાહેર કરી દીધો. જોકે ભારતે આ નક્શાને લઇને ચીન પર આકરા પ્રહાર કર્યા હતા, હવે ચીને પણ વળતો જવાબ આપતા પોતાનું જુઠ્ઠાણુ જારી રાખ્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયે બુધવારે એક નિવેદન જાહેર કરીને આ નક્શા અંગે પોતાનો બચાવ કરતા કહ્યું હતું કે વર્ષ ૨૦૨૩ના એડિશનનો નક્શો જાહેર કરવો સામાન્ય પ્રક્રિયા છે. અરુણાચલ પ્રદેશ અમારુ છે અને ચીનની અખંડતાને ધ્યાનમાં રાખીને જ આ નક્શો જાહેર કર્યો છે. એટલુ જ નહીં જુઠા નક્શાનો બચાવ કરતા ચીને ભારતને જ સલાહ આપી દીધી અને કહ્યું કે અમને આશા છે કે સંબંધીત પક્ષ (ભારત) અમારા નક્શાને જાહેર કરવાના હેતુને સમજવાનો પ્રયાસ કરશે, અને તેને ખોટી રીતે લેવાનો પ્રયાસ નહીં કરે.