
તા.૨૦/૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા કલેક્ટરશ્રીની સુચના – ધારાસભ્યો તથા જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિ
Rajkot: રાજકોટ જિલ્લાની ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કાર્યકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી ચેતન ગાંધીએ ઉપસ્થિત મહાનુભાવો તથા અધિકારીઓને આવકાર્યા હતા.

આ બેઠકમાં કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામે એસ.ટી.નું પીક-અપ સ્ટેન્ડ બનાવવા, શાપર ખાતે એપ્રોચ રોડના પુલની જર્જરિત દીવાલનુ સમારકામ કરાવવા, પદ્મ કુંવરબા હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટની પ્યોરિટી તથા ફાયર સિસ્ટમ, કોઠારીયા રીંગ રોડના અંડર પાસ, રાજકોટ-અમદાવાદ હાઈવે તથા માધાપર ચોકડી પાસેના સર્વિસ રોડના કામો સત્વરે કરવા, ઝનાના હોસ્પિટલ, નવી કોર્ટ ખાતેના રસ્તા પર ડિવાઇડરને મંજૂરી આપવા, રાજકોટ તાલુકાના વિવિધ ગામોમાં વિક્ષેપરહિત વીજ પુરવઠો પૂરો પાડવા વગેરે બાબતો અંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી તથા ધારાસભ્યોશ્રી રમેશભાઈ ટીલાળા તથા શ્રી દર્શિતાબેન શાહે રજૂઆત કરી હતી, જેનું સત્વરે નિરાકરણ લાવવા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ સંબંધિત વિભાગના સરકારી અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી જયપાલ સિંહ રાઠોડ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે. વસ્તાની, રૂડાના સી.ઈ.ઓ.શ્રી જી.વી.મિયાણી, પ્રાંત અધિકારીશ્રી રાજેશ આલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઇલાબેન ગોહિલ તથા શ્રી મહેશ નાકિયા, નાયબ વનસંરક્ષકશ્રી તુષાર પટેલ, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી કે. એમ. ખપેડ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી તૃપ્તિબેન પટેલ, મહિલા અને બાળ કલ્યાણ અધિકારીશ્રી અવનીબેન દવે તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.








