
રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ભરૂચ પહોંચી

રાહુલ ગાંધીએ ભરૂચના લોકો સમક્ષ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા માટે પ્રચાર કર્યો.*
તાહિર મેમણ : ડેડીયાપાડા 09/03/2024-આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ ગુજરાતમાં લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. હાલ કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ચાલી રહી છે. આજે 9 માર્ચના રોજ રાહુલ ગાંધી પોતાની ન્યાય યાત્રા સાથે ભરૂચ લોકસભાના નેત્રંગ ખાતે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન અને શકુંતલાબેને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધી અને ચૈતર વસાવાએ સાથે મળીને ભારત જોડો ન્યાય યાત્રાને આગળ વધારી હતી. આ દરમિયાન રાહુલ ગાંધીએ લોકો સમક્ષ જાતિગત વસ્તી ગણતરી, આર્થિક સર્વે મુદ્દે, સામાજિક સમાનતા, અગ્નિ વીર જેવા અનેક મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી હતી.
આ દરમિયાન આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભા સીટના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, હાલ ભાજપનું ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન ચલાવી રહી છે અને તેના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીજીએ ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી છે. 28 વર્ષથી વધુ સમયથી લોકો ભાજપને મત આપી રહ્યા છે તેમ છતાં પણ ભાજપ સરકાર એક સારું શાસન ચલાવવામાં અને લોકોને ન્યાય આપવામાં નિષ્ફળ રહી છે. હાલ રાહુલ ગાંધીજીને ન્યાય યાત્રાના કારણે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે.
હાલ હું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનનો ઉમેદવાર છું. અને બંને પાર્ટી તરફથી મને ખૂબ જ સમર્થન મળી રહ્યું છે. આજે કોંગ્રેસના પ્રદેશના નેતાઓની સાથે સાથે સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ પણ આ રેલી પણ જોડાયા છે. ઇન્ડિયા એલાયન્સની સમગ્ર ટીમ સાથે મળીને આ લોકસભા ચૂંટણી લડશે અને આ સીટ જીતીને સ્વર્ગસ્થ અહેમદ પટેલના ચરણોમાં અર્પણ કરીશું તેમ ધારાસભ્ય ચેતર વસાવા એ જણાવ્યુ હતું









