
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી, તા-22 મે : ગત શૈક્ષણિક વર્ષથી ચાલુ થયેલ જ્ઞાન સહાયકની યોજનામાં વય મર્યાદા તેમજ ફરજિયાત ટેટ-ટાટ પાસના નિયમો ઉમેરવાને કારણે કચ્છ જેવા સરહદી વિસ્તારના અંતરીયાળ ગામોમાં જ્ઞાન સહાયકો મળતા નથી અને જો મળે છે તો લાંબો સમય ટકતા નથી. આ બન્ને પરિસ્થિતિમાં કચ્છનુ શિક્ષણ કથળે છે. આમ જોઈએ તો જ્ઞાન સહાયક માત્ર એક વચગાળાની રાહત છે, કાયમી ભરતી જ આનો એકમાત્ર કાયમી ઉકેલ હોઇ શકે. હાલમાં વચગાળાની રાહત રુપે ખાસ કિસ્સામાં કચ્છ સરહદી વિસ્તાર હોવાથી જયા સુધી કાયમી ભરતી ન થાય ત્યા સુધી વય મર્યાદા તેમજ ટેટ-ટાટ પાસના નિયમ માંથી મુક્તિ આપવામાં આવે અને જો શક્ય હોય તો કચ્છ સરહદી જિલ્લાના જ શિક્ષણની વ્યાવસાયિક ડિગ્રી ધરાવતા બેરોજગાર યુવાન-યુવતીઓને જ ખાલી પડેલ જગ્યા પર ભરતી કરવામાં આવે તો પણ હાલ પૂરતો આ પ્રશ્ન ઉકેલાઇ શકે તેમ છે, તેવી ઉચ્ચ કક્ષાએથી આ પ્રશ્ન ઉકેલવા પ્રાંત મંત્રી મુરજીભાઈ ગઢવી, જિલ્લા માધ્યમિક સરકારી અધ્યક્ષ અને પ્રાંત સંગઠન મંત્રી નયનભાઈ વાંઝા તેમજ ક્ચ્છ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અને પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાનીએ લેખિતમાં શિક્ષણમંત્રી શ્રી ડૉ કુબેરભાઈ ડિંડોર સાહેબને ક્ચ્છના શિક્ષણ જગત વતીથી રજૂઆત કરેલ હતી.










