
લોકસભા 2024ની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે અને સાથે ઉમેદવારની યાદી પણ જાહેર થઈ રહી છે જેમાં કેટલીક પાર્ટીઓએ નવા ચહેરાને તક આપી છે. આ યાદીમાં એક ચોંકાવનારુ નામ પણ સામેલ છે. નામ તમિલાર કચ્છી (NTK)એ વિદ્યા રાનીને લોકસભા લડવા માટે ટિકિટ આપી છે. આ વિદ્યા રાની એટલે કે બીજુ કોઈ નહીં પણ કુખ્યાત ચંદન દાણચોર વીરપ્પનની પુત્રી છે.
હવે લોકસભાની ચૂંટણીમાં વિદ્યા રાની પોતાનું નસીબ અજમાવશે. તે કૃષ્ણાગિરી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. વ્યવસાયે વકીલ વિદ્યા રાની જૂલાઈ 2020માં ભાજપમાં જોડાઈ હતી. ત્યારબાદ તેને તામિલનાડુ ભાજપ યુવા પાંખના ઉપાધ્યક્ષનું પદ મળ્યું હતું. જોકે તેમણે તાજેતરમાં ભાજપ છોડીને એનટીકેમાં સામેલ થઈ હતી. ચેન્નઈમાં એક જાહેર સભામાં તમિલનાડુ અને પુડુચેરીમાં ચૂંટણી લડતા તમામ 40 ઉમેદવારોનો પરિચય કરાવતા સીમને કહ્યું કે વિદ્યા રાની કૃષ્ણગિરીથી NTK ઉમેદવાર હશે. NTKના 40 ઉમેદવારોમાંથી અડધા મહિલાઓ છે.
વિદ્યા રાની કૃષ્ણાગિરીમાં બાળકોની શાળા ચલાવે છે અને બેંગલુરુ સાથે તેના ગાઢ સંબંધો છે કેમકે અહીંથી જ તેમણે પાંચ વર્ષનો કાયદાનો કોર્સ કર્યો હતો. આ કારણે શહેરમાં તેના ઘણા મિત્રો પણ છે. જોકે તે તેના પિતા વીરપ્પનને માત્ર એક જ વાર મળી છે. વિદ્યા રાની કહે છે કે તેના પિતા વીરપ્પને તેના જીવનને નવી દિશા આપી હતી. વધુમાં જણાવતા વિદ્યા કહે છે કે તે જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારે તમિલનાડુ-કર્ણાટક સરહદ પર ગોપીનાથમમાં તેના દાદાના ઘરે પોતાના પિતાને પ્રથમ અને અંતિમ વખત મળી હતી.