
નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે નાંદોદના વડીયા ગામેથી સુજલામ સુફલામ્ જળ અભિયાન પ્રારંભ
કુલ ૧૦૪ દિવસના જળ સંચયના મહાયજ્ઞમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં રૂપિયા ૧૪.૭૬ કરોડના ખર્ચે કુલ-૫૦૨ કામોનું આયોજન
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો ગાંધીનગર ખાતેથી થયેલા પ્રારંભને સમાંતર નર્મદા જિલ્લામાં આજરોજ જિલ્લા પ્રભારી મંત્રી, અન્ન અને નાગરિક પુરવઠા સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમારના હસ્તે નાંદોદના વડિયા ગામેથી “જળ સંચય અભિયાન-૨૦૨૩”નો શુભારંભ કરવામાં આવ્યો હતો. આજે તા.૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે-ર૦ર૩ સુધી એટલે કે ૧૦૪ દિવસ ચાલનારા જળ સંચય-જળ સંગ્રહ ક્ષમતા વૃદ્ધિના આ સુજલામ-સુફલામ જળ અભિયાનમાં નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં રૂપિયા ૧૪.૭૬ કરોડના ખર્ચે કુલ-૫૦૨ કામો કરવામાં આવનાર છે.
વડીયા ગામે જળ સંચય અભિયાનનો પ્રારંભ કરાવતા જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે, દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીની કેન્દ્રની સરકાર અને રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળી સરકારના સકારાત્મક અભિગમથી રાજ્યભરમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના ઉમદા હેતુથી વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન “સુજલામ સુફલામ જળ અભિયાન–૨૦૨૩”ના રાજ્યવ્યાપી પ્રારંભાયેલા અભિયાન અંતર્ગત આજથી નર્મદા જિલ્લામાં પણ તળાવો ઊંડા કરવા, ચેકડેમ, જળાશયોના ડિલીસ્ટીંગના કામો, રિપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પૂનઃજીવીત કરવાના તથા નહેરોની, કાંસની સાફ-સફાઇના કામો કરવામાં આવનાર છે. આ અભિયાન હેઠળ લોકભાગીદારીથી હાથ ધરાનારા જળસંચયના કામોની કામગીરી સ્વૈચ્છિક સંસ્થાઓ/ધાર્મિક સંસ્થાઓ/એન.જી.ઓ.ના સહયોગથી હાથ ધરવામાં આવશે. આ અભિયાન થકી તળાવો, ચેકડેમોમાં વધુ પાણીનો સંગ્રહ કરી શકાશે. જેથી જિલ્લામાં જળ સંચયનો વ્યાપ વધશે અને સિંચાઇ માટેના પાણીની ઉપલબ્ધતામાં વધારો કરી શકાશે તેમજ જળસ્ત્રોતોમાં સંગ્રહીત પાણીને ઘરગથ્થુ ઉપયોગમાં પણ ઉપયોગમાં લઈ શકાશે તેમ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું.
અત્રે નોંધનીય છે કે, સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩માં લોકભાગીદારી દ્વારા મનરેગા હેઠળ તથા ડીપાર્ટમેન્ટલ કામો કરવામાં આવશે. લોકભાગીદારીથી કરવાના થતાં કામોની કામગીરી માટે ખોદાકામના પ્રતિ ઘન મીટર નક્કી થયેલા ભાવો પૈકી ૬૦% રકમ સરકાર દ્વારા ચુકવવામાં આવશે અને ૪૦% રકમ સ્વૈછિક સંસ્થાઓ, ઉધ્યોગગૃહો, ધાર્મિક સંસ્થાઓ, અથવા સ્વૈચ્છિક સંસ્થાના સહયોગથી કરવામાં આવશે. ગત વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૨ દરમિયાન નર્મદા જિલ્લામાં ૧૪.૭૨ કરોડના કુલ- ૫૩૮ કામોના કરાયેલા આયોજન પૈકી ૧૨.૦૫ કરોડના ફુલ- ૫૨૨ કામો પૂર્ણ કરવામાં આવ્યા હતા.