
તા.૧૧ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
વર્તમાન વડાપ્રધાનશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ બાળકોના વિદ્યારંભને ઉત્સવનું સ્વરૂપ આપવા અને કન્યા શિક્ષણમાં વધારો કરવાના શુભ આશય સાથે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાત સરકારે આ ઉપક્રમ સતત જાળવી રાખ્યો છે અને આ વર્ષે ૧૮મો પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. સરકારના આ પ્રયાસોના કારણે રાજ્યમાં કન્યાઓના નામાંકનમાં ખૂબ વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં ગત વર્ષ અને આ વર્ષે બાલિકાઓનું ૧૦૦ ટકા જેટલું નામાંકન થયું છે. ઉપરાંત વિપરીત સંજોગોમાં ઉછરેલી દીકરીઓ યોગ્ય કેળવણી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરી શકે તે માટે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના અમલમાં છે.

મહત્વનું છે કે, સમગ્ર શિક્ષા કન્યા કેળવણી વિભાગ અંતર્ગત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના વર્ષ ૨૦૦૪-૦૫થી શૈક્ષણિક રીતે પછાત તાલુકાઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે ચાલે છે. આ યોજના હેઠળ શાળા બહારની કદી શાળાએ ન ગયેલી, અધવચ્ચેથી શાળા છોડી ગયેલી, મજૂરી કામ કરતી, અનાથ અથવા માતા કે પિતા કોઈ એક હોય એવી દીકરીઓ કે જેઓ શાળાનું પ્રાથમિક શિક્ષણ કોઈપણ વિપરીત સંજોગોને કારણે પૂર્ણ નથી કરી શકી, આવી બલિકાઓને વિદ્યાલયમાં શિક્ષણ તેમજ નિવાસી વ્યવસ્થા આપવામાં આવે છે. આ કન્યાઓ યોગ્ય શૈક્ષણિક વાતાવરણમાં માનભેર પોતાનું ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તેવી વ્યવસ્થા સાથે સમગ્ર રાજ્યમાં વિવિધ તાલુકાઓમાં ૨૪૯ કે.જી બી.વી. કાર્યરત છે.

સમગ્ર શિક્ષા રાજકોટના જિલ્લા કન્યા કેળવણી અધિકારીશ્રી આરતી લુંગાતરે વિશેષમાં જણાવ્યું કે, કન્યાઓને તમામ પ્રકારની સુવિધાજનક નિવાસી વ્યવસ્થા સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ, સ્વરક્ષણ તાલીમ, ઈતર પ્રવૃત્તિઓ, વોકેશનલ એજ્યુકેશન, એક્સપોઝર વિઝીટ, શૈક્ષણિક પ્રવાસો વગેરે કરાવવામાં આવે છે.આ કન્યાઓને કારકિર્દી માર્ગદર્શન જેવી તાલીમો પણ આપવામાં આવે છે.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના ગરીબી રેખા નીચે જીવતા કુટુંબની કન્યાઓ, શાળા બહારની કન્યાઓ, અંતરિયાળ વિસ્તારોમાં રહેતી કન્યાઓ કે જેને શાળાની સુવિધા પ્રાપ્ય નથી થઈ, સ્થળાંતરિત પરિવારોની કન્યાઓ, જંગલ વિસ્તાર અને વાડી વિસ્તારની કન્યાઓ માટે આશીર્વાદરૂપ છે.








