
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
શિવારીમાળના ‘પ્રજ્ઞામંદિર’ના બાળકોને શ્રી સોમનાથ ટ્રસ્ટ-ગીર સોમનાથ દ્વારા વસ્ત્ર, શૈક્ષણિક સામગ્રી સહિત પ્રસાદી અર્પણ કરાઇ :
ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાનાં શિવારીમાળ ગામે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકોને આશ્રય સાથે હુંફ આપતા ‘પ્રજ્ઞામંદિર’ ની સેવા અને સિદ્ધિને બિરદાવતા ડાંગ કલેક્ટર શ્રી મહેશ પટેલે, સંસ્થાને શક્ય તેટલી મદદ મળી રહે તેવા વહીવટી તંત્રના પ્રયાસોની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
માનવ કલ્યાણ ટ્રસ્ટ-નવસારી સંચાલિત ‘પ્રજ્ઞામંદિર ખાતે રહી અભ્યાસ સાથે ક્રિયાત્મક શિક્ષણ મેળવી રહેલા ૧૪૨ જેટલા પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકોને ગીર સોમનાથના શ્રી સોમનાથ ટ્રસ્ટ (સોમનાથ જ્યોતિર્લીંગ) તરફથી માસિક શિવરાત્રી નિમિત્તે મળેલી વસ્ત્રો, શૈક્ષણિક સામગ્રી, અને દાદાના પ્રસાદની કીટ અર્પણ કરતા કલેક્ટરશ્રીએ સંસ્થાની સેવાની સુવાસ ચારેકોર પ્રસરી રહી છે ત્યારે, સેવાભાવી સજજનો, દાતાઓ અહી ઉદાર હાથે દાનની સરવાણી વહાવી દિવ્યાંગજનોની સેવાનો લ્હાવો લઈ શકે છે તેમ કહ્યું હતું.
જુદી જુદી પ્રતિભાઓથી સંપન્ન બાળકોને આશીર્વચન પાઠવતા કલેક્ટર શ્રી મહેશ પટેલે પિતાતુલ્ય વાત્સલ્ય વહાવી, બાળકો વિધ્યાર્થીઓની પ્રતિભાઓને બિરદાવી હતી.
ઉલ્લેખનીય છે કે, પ્રજ્ઞામંદિરની એક વિધ્યાર્થિની ઉષા કે જે મુંદ્રા પોર્ટ ખાતે ફિજીયોથેરાપીસ્ટ તરીકે સેવા આપી રહી છે. ત્યારે અહીની બીજી દીકરી, ગૌરી કે જેને સને ૨૦૧૬ માં વડાપ્રધાનશ્રીના હસ્તે લેપટોપ ગિફ્ટ મળ્યું છે. ગૌરીને આખી રામાયણ કંઠસ્થ છે. ધો. ૮ માં અભ્યાસ કરતી આ દીકરીનું IAS બનવાનું સ્વપ્ન છે. નાટક અને અદાકારીમા પણ ગૌરીએ સ્ટેટ લેવલ સુધી નામ રોશન કર્યું છે.
કલેક્ટર શ્રી મહેશ પટેલે આ દિવ્યાંગ વ્યક્તિઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવીને તેમની પ્રતિભાને ઉજાગર કરનાર સંસ્થાની સફળતાનો આ પુરાવો છે તેમ કહ્યું હતું.
પ્રજ્ઞામંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં વઘઇ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી બળવંતભાઈ દેશમુખ, વૈધરાજ શ્રી ગંગારામભાઈ, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના ઉપ પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ પટેલે સંસ્થાની સેવા પ્રવૃતિઓનો વિસ્તૃત ખ્યાલ આપ્યો હતો.
કલેક્ટર શ્રી મહેશ પટેલે સંસ્થા પરિસર સહિત તેમની સિદ્ધિ પ્રવૃતિઓની જાણકારી મેળવી, પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.








