
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે નોટીફાઇડ એરીયા કચેરીમાં કાયમી ચીફ ઓફીસર તરીકે ફરજ બજાવતા નાયબ કલેક્ટર ડૉ ચિંતન વૈષ્ણવની ટૂંકા સમયમાં જ બદલી થઈ જતા સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો..
સાપુતારા ચીફ ઓફીસર ડૉ ચિંતન વૈષ્ણવની બદલી સ્થગિત કરવા માટે સ્થાનિકોની માંગ..
સાપુતારા ચીફ ઓફીસર ડો ચિંતન વૈષ્ણવની બદલી રાજ્ય સરકાર દ્વારા તુરંત જ સ્થગિત કરવામાં ન આવે તો સ્થાનિકો દ્વારા આંદોલન સહીત લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી..પેટા:-સાપુતારા ખાતેથી કર્તવ્યનિષ્ઠ અધિકારીની બદલીથી વિકાસથી શરૂ થયેલ ઇતિહાસનો પ્રથમ અધ્યાય પણ અધુરો લાગશે..
રાજ્યનું એકમાત્ર ગિરિમથક સાપુતારા તેના કુદરતી સૌંદર્યનાં પગલે જગજાહેર જોવા મળે છે.કુદરતી સૌંદર્યથી પ્રખ્યાત ગિરિમથક સાપુતારા ખાતે બારેમાસ પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહે છે.ગિરિમથક સાપુતારા પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરે તે માટે અહી વર્ષોથી નોટીફાઇડ એરીયા કચેરી કાર્યરત છે.રાજ્ય સરકાર દ્વારા ગિરિમથક સાપુતારાને પ્રવાસન સ્થળનો દરજ્જો તો આપ્યો છે.પરતું આ પ્રવાસન સ્થળ માટે કાયમી ચીફ ઓફિસરની જગ્યા પર હંમેશા આડોડાય કરતા સાપુતારાનો વિકાસ ટ્રેનની માફક ઘડીકમાં વેગ પકડે અથવા સ્ટોપની જેમ ગમે ત્યાં ઉભો રહી ખોટકાઈ જાય છે.હાલમાં બે મહિના પૂર્વે ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા ખાતેની નોટીફાઇડ એરીયા કચેરીમાં કાયમી ચીફ ઓફિસર તરીકે ડૉ ચિંતન વૈષ્ણવની નિમણૂક થઈ હતી.ગિરિમથક સાપુતારા ખાતે ચીફ ઓફિસર તરીકે ડૉ ચિંતન વૈષ્ણવની નિમણૂક થતાની સાથે જ વર્ષોથી ફૂલી ફાલી ઉઠેલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગી ગઈ હતી.ગિરિમથક સાપુતારામાં બાહોશ અને નોન કરપ્ટેડ ચીફ ઓફીસર તરીકે ડૉ ચિંતન વૈષ્ણવે કાર્યભાર ચાલુ કરતાની સાથે જ સાપુતારા ખાતે કાયમી તેમજ કોન્ટ્રાક્ટ પધ્ધતિ પર કામ કરતા કર્મચારીઓ તથા રોજમદારો,તેમજ ઇજારદારો વર્ષો બાદ નિંદરમાંથી જાગી નિયમિત કામગીરીમાં જોતરાયા હતા.સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફિસર ડો ચિંતન વૈષ્ણવ દ્વારા ટૂંકા ગાળામાં જ સમગ્ર સાપુતારાનાં જોવાલાયક સ્થળોને સ્વચ્છ બનાવ્યા હતા.તેમજ સાપુતારામાં પ્રવાસીઓની સુરક્ષાને અગ્રીમતા આપી તમામ સ્થળોએ ચાલતી એક્ટિવિટીઓ પર બાજ નજર રાખીને સંચાલકોનાં કાન મરોડી દરેક પ્રવૃત્તિઓમાં નિયમ મુજબ ગાઈડ લાઈનનું પાલન કરવા આદેશો આપ્યા હતા.ગિરિમથક સાપુતારા ખાતે ડૉ ચિંતન વૈષ્ણવની નિમણૂક થયા બાદ ટૂંકા સમયમાં પ્રવાસીઓની સુરક્ષા સહિતની વિકાસકીય બાબતોમાં ઘરઘમ ફેરફારો નોંધાયા હતા.વર્ષો બાદ ગિરિમથક સાપુતારાને બાહોશ અને કામ કરવાવાળા સફળ સુકાની મળતા પ્રવાસન ઉધોગને વેગ મળ્યો હતો.પરંતુ રાજ્ય સરકાર દ્વારા ટૂંકા સમયમાં જ સાપુતારા ખાતેથી બાહોશ અધિકારીની બદલી કરી દેતા વિકાસકીય ગાથા સાથે શરૂ થયેલ ઈતિહાસનાં પ્રથમ પાનાનો અધ્યાય અધુરો રહી ગયો છે.ગતરોજ રાજ્ય સરકાર દ્વારા ડેપ્યુટી કલેક્ટર (જી.એ.એસ) કેડરનાં 25 જેટલા અધિકારીઓની બદલીનો ગંજીપો ચિપ્યો હતો.જેમાં સાપુતારા ખાતે કાયમી ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડૉ ચિંતન વૈષ્ણવની ભાવનગર ખાતે સિવિલ ડિફેન્સ વિભાગમાં ડેપ્યુટી કન્ટ્રોલર તરીકે બદલી કરાતા સ્થાનિકો સહીત પ્રવાસીઓએ સોશિયલ મીડીયામાં સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.સાપુતારા ખાતે ચીફ ઓફિસર ડૉ ચિંતન વૈષ્ણવની કામગીરી ઉડીને સૌ કોઈનાં આંખે વળગતી હતી.તેવામાં સાપુતારા ચીફ ઓફિસરની ટૂંક સમયમાં જ બદલી થઈ જતા સોશિયલ મીડિયા સહિત સાપુતારા નવાગામનાં સ્થાનિકો તથા પ્રવાસીઓએ પોતાનો બળાપો ઠાલવી સરકાર સામે ફીટકાર વરસાવી હતી.વધુમાં સાપુતારા નવાગામનાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે સાપુતારા તથા નવાગામનાં વિકાસ માટે હંમેશા પ્રયત્નશીલ રહેનાર ચીફ ઓફિસર ડૉ ચિંતન વૈષ્ણવની રાજ્ય સરકાર દ્વારા બદલી કરી વિકાસની અવગણના કરી છે.જેથી ચીફ ઓફિસર ડૉ ચિંતન વૈષ્ણવનાં બદલીનો હુકમ રાજ્ય સરકાર દ્વારા તુરંત જ સ્થગિત કરવામાં ન આવે તો અમો ઉગ્ર આંદોલન કરીશુ. તથા આવનાર દિવસોમાં સાપુતારા સજ્જડ બંધ રહેશે.તેમજ લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરીશુ.જે સંપૂર્ણ જવાબદારી રાજ્યસરકારની રહેશે…









