
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે નવનિર્મિત મંદિરની ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનની તૈયારીઓ વચ્ચે દંડકારણ્ય એવા ડાંગ જિલ્લામાં પ્રભુ શ્રી રામ, ભ્રાતા લક્ષ્મણના માં શબરી સાથેના મિલનની ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ઉજાગર કરતા કાર્યક્રમનું આયોજન કરાયું છે.
રામાયણ કાળમાં માં સીતાજીની શોધમાં વન પરિભ્રમણ કરતા પ્રભુ શ્રી રામ, અને ભ્રાતા શ્રી લક્ષ્મણને માતા શબરીએ સુબિર પાસેના ચમક ડુંગર નામક સ્થળે બોર ખવડાવ્યાની લોકવાયકા સાથે વણાયેલા શબરીધામ પ્રત્યે ભાવિક ભક્તો ખૂબ શ્રદ્ધા ધરાવે છે.સને ૨૦૦૬ દરમિયાન અહીં રામ કથાકાર શ્રી મોરારી બાપુના સુચનથી ભવ્ય ‘શબરી કુંભ મેળા’ નું આયોજન કરાયું હતું. જેનો લાખ્ખો ભાવિક ભક્તોએ પૂર્ણ શ્રદ્ધા ભાવ સાથે પમ્પા સરોવરમાં સ્નાન કરી આસ્થા વ્યક્ત કરી હતી.કાળક્રમે આ પરિસરનો વિકાસ થતા આજે ભગવાન અહીં પ્રભુ શ્રી રામ, ભ્રાતા શ્રી લક્ષ્મણ, અને માતા શબરીની નયનરમ્ય પ્રતિમા સાથે વિશાળ મંદિર ખડુ થવા પામ્યું છે. જ્યાં સ્થાનિક આદિવાસી ભાવિક ભક્તો સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શને આવતા હોય છે.
હાલે અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ લલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ સાથે પ્રભુ અને શબરી માતાના મિલનના દિવસે, એટલે કે તા.૧૪ જાન્યુઆરી (પોષ સુદ ત્રીજ ને મકરસંક્રાંતિ) એ વહેલી સવારે પમ્પા સરોવરથી શબરીધામ સુધી સાત કિલોમીટરની ભવ્ય શોભાયાત્રા નીકળશે. જેમાં પ્રભુ શ્રી રામ, ભ્રાતા શ્રી લક્ષ્મણ, અને માં શબરીની વેશભૂષા સાથે ભજન, કીર્તન, લોકનૃત્ય, રામધૂન સાથે વિશાળ સરઘસ નીકળશે. જેમાં અખિલ ભારતીય સંત સમિતિના કોશાધ્યક્ષ મહા મંડલેશ્વર સ્વામી શ્રી જનાર્દન મહારાજ, દેવગીરી પ્રાંતના ધર્મ જાગરણ સહ સાંસ્કૃતિક પ્રમુખ શ્રી યોગી દત્તનાથ, શબરી ધામના સ્વામી શ્રી અસીમાનંદજી, ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર, આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, ડાંગના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, ગણદેવીના ધારાસભ્ય શ્રી નરેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ, ભાવિક ભક્તો, માં શબરીના વંશજો મોટી સંખ્યામાં જોડાશે.
તે પૂર્વે તા.૧૩ જાન્યુઆરીએ રાત્રી દરમિયાન પમ્પા સરોવર ખાતે ભજન, કીર્તન, રામધૂન સહિત મહાપ્રસાદીનો કાર્યક્રમ આયોજિત કરાયો છે. જેમાં પણ મહાનુભાવો જોડાશે.
શ્રી શબરી માતા સેવા સમિતિના અધ્યક્ષશ્રી ડો.ચીંતુભાઈ ચૌધરીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. તેમણે આ કાર્યક્રમ સહિત સતત તા.૨૨ જાન્યુઆરી સુધી અનેકવિધ કાર્યક્રમોના સથવારે, પ્રભુ શ્રી રામ લલ્લા મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ઉજવવામાં આવશે.









