કેશોદ શહેરમાં આજે ગણેશચતુર્થી નિમિત્તે જુદાં જુદાં વિસ્તારમાં વિવિધ મંડળો દ્વારા વાજતેગાજતે ધામધૂમથી ગણેશોત્સવ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેશોદના માંગરોળ રોડ પર ગજાનન ગણપતિ દાદાની મૂર્તિઓ બનાવનારા કારીગરો દ્વારા મૂર્તિઓ વેચવામાં આવતી હોય સવારથી જ ભાવિકો ભક્તો બહોળી સંખ્યામાં ગણપતિ બાપા મોરિયા નાં નાદ સાથે સુંદર આકર્ષક કલાત્મક ગણપતિની મૂર્તિ લેવા ઉમટી પડ્યા હતાં. કેશોદ શહેરમાં અમૃતનગર,ડીપી રોડ, કૃષ્ણ મીલ કંપાઉન્ડ, અમરનાથ મંદિર, કર્મચારી નગર, શ્રી ગોપેશ્વર મહાદેવ મંદિર,વનરાજનગર, જોલી પાર્ક,આલાપ કોલોની, પીપલીયાનગર , જુનો પ્લોટ, પટેલ રોડ શાકમાર્કેટ, મેઘના સોસાયટી સહિત ત્રીસેક વિસ્તારમાં મોટાં ગણપતિની મૂર્તિ ને શાસ્ત્રોક્ત વિધિ સાથે દશ દિવસ માટે સ્થાપના કરી દરરોજ રાત્રે મહાઆરતી ઉપરાંત વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન આયોજકો દ્વારા કરવામાં આવે છે. કેશોદ શહેરમાં સંખ્યાબંધ પરિવારો પોતાના ઘરે નાનાં ગણપતિ દાદાની મૂર્તિ પાંચ સાત નવ દિવસ માટે સ્થાપિત કરી શ્રધ્ધાપુર્વક પુજા અર્ચના કરવામાં આવે છે. કેશોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ મંડળો દ્વારા ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. કેશોદ ગણેશોત્સવ સમિતિ નાં પ્રમુખ રાજુભાઈ પંડ્યા અને મંત્રી જયભાઈ વીરાણી એ કેશોદ પંથકના ભાવિકો ભક્તો ને પોતાની આસપાસના વિસ્તારમાં યોજાયેલા ગણેશોત્સવ માં તન મન ધનથી સાથ સહકાર આપવા અપીલ કરી છે. કેશોદ શહેર તાલુકા માં આનંદચૌદસ સુધી દશ દિવસ જુદા જુદા વિસ્તારોમાં ગણેશોત્સવની શરૂઆત કરવામાં આવતાં ભક્તિમય વાતાવરણ ઉભું થયું છે. કેશોદ પોલીસ સ્ટેશન નાં પોલીસ ઇન્સ્પેક્ટર બી બી કોળી દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ગણેશોત્સવ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક બોલાવી પુરતો બંદોબસ્ત ગોઠવી અનીચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સુચનો સાથે પગલાં લેવામાં આવ્યાં છે. કેશોદ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી થતાં ગણેશોત્સવ માં આનંદ ઉમંગ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










