આણંદ જિલ્લાના ફરતા પશુ દવાખાના દ્વારા હાડગુડ ખાતે ત્વરિત સારવાર થકી અશ્વને મળ્યું નવજીવન

આણંદ, મંગળવાર :: ગુજરાત પશુપાલન વિભાગ અને ઈ.એમ.આર.આઇ. ગ્રીન હેલ્થના સંયુક્ત પ્રયાસે આણંદ જિલ્લામાં અઢી વર્ષ પૂર્વે સાત ફરતા પશુ દવાખાના મારફત પશુઓની સેવાનું ભગીરથ કાર્ય આરંભાયું હતું.
આણંદ તાલુકાના મોગર અને નાપાડ (તળપદ), આંકલાવ તાલુકાના બામણગામ, ઉમરેઠ તાલુકાના પણસોરા, ખંભાત તાલુકાના રાલજ તથા જીણજ તેમજ પેટલાદ તાલુકામાં પાળજ ખાતે એમ કુલ સાત ફરતા પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે.
આ પશુ દવાખાનાઓ પૈકી તાજેતરમાં આણંદના મોગર ફરતા પશુ દવાખાનાના ડૉ. મયુર પટેલ અને પાયલોટ વિશાલભાઇ ચૌહાણ હાડગુડ ગામ ખાતેથી એક અશ્વ માલિકનો ઇમરજન્સી કોલ આવતા પશુ સેવા માટે તાત્કાલિક ગામ ખાતે પહોંચી ગયા હતા. ગામથી સિમ વિસ્તારનો રસ્તો કાચો હોવાથી વાહન ન જઈ શક્તું હોવાથી ૧૯૬૨ની ટીમ પગપાળા અશ્વ માલિકે જણાવેલ સ્થાને પહોંચી હતી.
ઘટના સ્થળે પહોંચતા ૧૯૬૨ની ટીમને જ અશ્વ માલિકે જણાવ્યું કે આ અશ્વ ક્યારેય બેસે કે જમીન પર સૂઇ જાય નહિં પરંતુ ૬ વર્ષની વયનો અશ્વ અચાનક જ જમીન પર આરોટવા લાગ્યો હતો. આ જોઈને અશ્વ માલીકે તુરંત જ ૧૯૬૨ પર મદદ માટે ફોન કોલ કરતા વિના વિલંબે ઘટના સ્થળે પહોંચેલી ૧૯૬૨ની ટીમે અશ્વની સ્થિતીનું નિદાન કરતા ખબર પડી કે અશ્વને ખૂબ જ રેર જોવા મળતો રોગ કોલિક થયો છે.
આ ફરતા પશુ દવાખાનાની ટીમના ડૉક્ટર અને પાયલોટ દ્વારા તાત્કાલિક ધોરણે અશ્વને થયેલ કોલિક રોગ (એક પ્રકારનો રોગ) થી પીડાતા અશ્વને મહેનત અને સૂઝ-બુઝ સાથે સંપૂર્ણ સારવાર આપી તેનો ઇલાજ કરી ઘોડાનો જીવ બચાવી લેવાયો હતો. આમ મોગરનું આ ફરતું પશુ દવાખાનું હાડગુડ ગામના અશ્વ માટે આશીર્વાદરૂપ પૂરવાર થયુ હતું. અશ્વ માલિકે ફરતા પશુ દવાખાનાના ડૉક્ટર અને પાયલોટ તેમજ તેમની ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી.










