
મદન વૈષ્ણવ-નવસારી
*એક્સપ્લોરિંગ વુમનહૂડ ફાઉન્ડેશન દ્વારા દેશની ચાર મહિલાઓને સન્માનિત કરાયા*
*RFO હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણ ક્ષેત્રમાં સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ઠ કાર્ય માટે
વનદુર્ગા પુરસ્કાર એનાયત કરાયો*
*મારા માતા-પિતા મારી શક્તિના આધારસ્તંભ છે: RFO હિના પટેલ*
આસામના ગુવાહાટીમાં આયોજિત પ્રથમ એશિયન રેંજર ફોરમમાં સામાજિક વનીકરણ વિભાગ નવસારીના RFO હિના પટેલને વનદુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણ માટે તેમના સમર્પણ બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. હિના પટેલે ફોરેસ્ટ ઓફિસર તરીકેની કારકિર્દીમાં પ્રસંશનીય કામગીરી કરી ઉજ્જડ જમીનને ફળદ્રુપ બનાવી ખેતી થઈ શકે તે માટેના પ્રયાસો કર્યા છે. તેમજ વન્ય પ્રાણીઓના રક્ષણ માટે કાબેલેદાદ કામગીરી કરી રહ્યા છે.
આસામના ગુવાહાટીમાં ગત તા.૫ મી ડિસેમ્બરના રોજ આયોજિત પ્રથમ એશિયન રેન્જર ફોરમમાં એક્સપ્લોરિંગ વુમનહૂડ ફાઉન્ડેશન દ્વારા દેશની ચાર મહિલાઓને વન દુર્ગા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વન દુર્ગા પુરસ્કારો વન્યજીવન અને વન સંરક્ષણ માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓને આપવામાં આવે છે. હીના પટેલને પ્રકૃતિના સંરક્ષણના ક્ષેત્રમાં આવા સાહસિક, કુશળ અને ઉત્કૃષ્ઠ કાર્ય માટે વનદુર્ગા એવોર્ડ આપવામાં આવ્યો છે.
પોતાને મળેલા વન દુર્ગા એવોર્ડ વિશે હીના પટેલે જણાવ્યુ હતું કે, વ્યક્તિની ક્ષમતાને સ્ત્રી કે પુરુષના રૂપમાં ન જોવી જોઈએ. સ્ત્રી કોઈપણ ક્ષેત્રમાં કામ કરવાં સક્ષમ છે. ગુજરાત વન વિભાગમા હું દસ વર્ષથી જોડાયેલ છું. ડિપાર્ટમેન્ટ ના તથા ઉપરી અધિકારીઓના સહયોગના લીધે આ જર્ની ખુબ જ પ્રેરણા દાયી રહી છે . પ્રાણીઓ સાથે કામ કરવું તે ખૂબ જ રોમાંચક કાર્ય છે. જે મને પ્રકૃતિની વધુ નજીક લઈ જાય છે.
હીના પટેલે જણાવ્યુ કે, ફિલ્ડ વર્ક દરમિયાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે કામ કરતી વખતે, મને મહિલાઓ તરફથી પૂરતો સહકાર અને તાકાત મળી છે. મહિલાઓ મારી સાથે મુલાકાત કરી મારી કામગીરી વિશે જાણી પોતાની દિકરીઓને આત્મનિર્ભર બનવવા માર્ગદર્શન અને પ્રેરણા આપવા કહે છે. તે તેના પ્રેરણા સ્ત્રોત છે.
ખેડૂત પુત્રી હોવાનું ગૌરવ કરતા હીના પટેલ જણાવે છે કે, હું એશિયાટિક સિંહને અમારા વિસ્તારમાં જોઈને મોટી થઈ છું. મારા માતા-પિતા મારી શક્તિના આધારસ્તંભ છે તેઓએ હંમેશા મને રાષ્ટ્ર માટે કંઈક કરવાની પ્રેરણા આપી છે. હીના પટેલે વન દુર્ગા સન્માન પ્રાપ્ત કરી વનવિભાગ તથા સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.









