GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના મલેકપુર  મારૂતિ વિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ- પ્રદર્શન યોજાયો

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લાના મલેકપુર  મારૂતિ વિદ્યાલય ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ- પ્રદર્શન યોજાયો

વક્તાઓએ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટેના પ્રશ્નો સંદર્ભે માર્ગદર્શન સાથે પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કર્યા

પ્રાકૃતિક કૃષિ થકી દેશના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ઉન્નત બને તથા દેશનો પ્રત્યેક નાગરિક સ્વસ્થ બને અને તંદુરસ્ત બને અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે અર્થે વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવતા થાય તે માટે વડાપ્રધાનશ્રીએ આહવાન કર્યું છે. રાજયના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય તે દિશામાં મહામહિમ રાજયપાલના સીધા માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશના સ્વરૂપમાં કામગીરી કરવામાં આવી રહી છે.

મહીસાગર જિલ્લાના ખેડૂતોમાં પણ પ્રાકૃતિક કૃષિ અંગે વ્યાપક જાગરૂકતા લાવી પ્રાકૃતિક કૃષિનું અભિયાન જન આંદોલન બને તે અર્થે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ-વ-પ્રદર્શનનું જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં લુણાવાડા તાલુકાના મલેકપુર શ્રી મારૂતિ વિદ્યાલય ખાતે ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

આ પરિસંવાદને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મૂકતા જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે જમીન અને ખોરાકને ઝેર મુક્ત બનાવવા માટે પ્રાકૃતિક ખેતી હવે આવનારા સમયની માંગ છે,પ્રાકૃતિક ખેતીથી ગાયના સંવર્ધન સાથે પરિવાર અને સમાજના આરોગ્યનું પણ જતન થશે. તેવી હિમાયત ખેડૂતોને સંબોધતા તેમણે કરી હતી. વધુમાં જણાવ્યું કે, આપણા પૂર્વજો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા રહ્યા હતા, ત્યારે આજે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગને લઈ ખેતીના ક્ષેત્રમાં ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ છે. આરોગ્ય માટે હાનિકારક જંક ફુડ વગેરેથી દૂર રહીએ, મીલેટ્સ સાથેનો આપણો પરંપરાગત ખોરાક અપનાવીએ. તેમ પ્રમુખે જણાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતીથી ઉત્પાદન ઘટવાની સાથે ઉત્પાદિત થતા પાક-શાકભાજી વગેરેની લોકોના આરોગ્ય પર વિપરીત અસરો થઈ છે. જેના પરિણામે કેન્સર જેવા ગંભીર રોગોનું પ્રમાણ વધતું જાય છે. મહામૂલી માનવ જિંદગી મળી છે ત્યારે પ્રાકૃતિક વ્યવસ્થાઓ જાળવીને પ્રગતિ સાધીએ તે હિતાવહ છે.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલે જણાવ્યું હતું કે વધુને વધુ લોકો પ્રાકૃતિક ખેતી તરફ વળે અને તમામ લોકો પ્રાકૃતિક ખેતી કરતાં થાય તેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ ઝુંબેસ ચલાવવામાં આવે છે.

આ પરિસંવાદમાં પ્રાકૃતિક વિકાસ બોર્ડ ગુજરાત રાજ્ય રાજ્ય સયોજક  પ્રફુલભાઈ સેજલિયાએ જમીન અને આરોગ્ય બચાવવા સાથે આપણા કુટુંબ અને આવનારી પેઢી માટે પ્રાકૃતિક કૃષિનો વારસો આપવા માટે ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ પરિસંવાદમાં ખેડૂત ભાઈઓ અને મહિલા ઓએ પ્રાકૃતિક ખેતી સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે તેની જરૂરિયાત અને મહત્વ વિશે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના પ્રદર્શન માટે રાખવામાં આવેલા સ્ટોલ્સની મુલાકાત કરી હતી. સાથે જ ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ચર્ચા કરી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે આત્મા પ્રોજેક્ટ મહીસાગરના જે ડી પટેલે શાબ્દિક સ્વાગત કરતા મહાનુભાવો અને ખેડૂતોને આવકાર્ય હતા અને અંતમાં ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર નવનીત પટેલએ આભાર વિધિ કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button